સાફલ્ય ગાથા PMJAY યોજના બની કિડનીના દર્દી માટે આશીર્વાદરૂપ; ડાયાલિસિસ સહિતની સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ થયો વિનામૂલ્યે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડના સહારે જવાનજી પ્રતાપજી ઠાકોરને મળી નિઃશુલ્ક સારવાર; પરિવારજનોએ ગુજરાત સરકાર અને વડાપ્રધાનશ્રીનો માન્યો આભાર
સાફલ્ય ગાથા PMJAY યોજના બની કિડનીના દર્દી માટે આશીર્વાદરૂપ; ડાયાલિસિસ સહિતની સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ થયો વિનામૂલ્યે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડના સહારે જવાનજી પ્રતાપજી ઠાકોરને મળી નિઃશુલ્ક સારવાર; પરિવારજનોએ ગુજરાત સરકાર અને વડાપ્રધાનશ્રીનો માન્યો આભાર
માહિતી બ્યુરો,પાટણ
તા.29/10/2026
સમાચાર સંખ્યા:- 714/70
આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચે અને આર્થિક પરિસ્થિતિને કારણે કોઈપણ પરિવારને સારવારથી વંચિત રહેવું ન પડે તેવા ઉદ્દેશ્ય સાથે અમલી બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારોને ગંભીર બીમારીઓની સારવારમાં આર્થિક રાહત મળી રહી છે. ત્યારે ઠાકોર અજયના પિતા જવાનજી પ્રતાપજી ઠાકોર માટે પણ આ યોજના આશીર્વાદરૂપ બની છે.
આ અંગે પોતાનો અનુભવ જણાવતાં ઠાકોર અજયે જણાવ્યું હતું કે, તેમના પિતા જવાનજી પ્રતાપજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી કિડનીની બીમારીને કારણે ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે. શરૂઆતમાં સારવાર અને નિદાન માટે તેઓ ખાનગી હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તેમને રિપોર્ટ, તપાસ અને ડાયાલિસિસ સહિતની સારવાર પાછળ અંદાજે રૂ. ૮થી ૧૦ લાખ જેટલો ખર્ચ કહ્યો હતો. આટલો મોટો ખર્ચ સામાન્ય પરિવાર માટે આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતો.
જોકે, પરિવાર પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડ ઉપલબ્ધ હોવાથી તેમણે કાર્ડના આધારે યોજનામાં આવરી લેવામાં આવતી સારવારનો લાભ લીધો હતો. અજયના જણાવ્યા અનુસાર, યોજનાના માધ્યમથી જરૂરી રિપોર્ટ, તપાસ અને ડાયાલિસિસ સહિતની સારવારનો લાભ વિનામૂલ્યે મળી રહ્યો છે. હાલમાં તેમના પિતાની ડાયાલિસિસની સારવાર પાટણની અર્પણ હોસ્પિટલમાં ચાલુ છે.
ઠાકોર અજયે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મારા પિતાની સારવારમાં અમને ખૂબ મોટી આર્થિક રાહત મળી છે. ખાનગી સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં કાર્ડના કારણે અમને સારવારનો લાભ મળ્યો છે. મારા પિતાની સારવાર સતત ચાલુ રાખવામાં આ યોજનાથી ખૂબ મદદ મળી રહી છે. આ માટે અમે ગુજરાત સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.”
આમ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી આરોગ્યલક્ષી પહેલો જરૂરિયાતમંદ પરિવારોને ગંભીર બીમારીઓની સારવાર દરમિયાન આર્થિક બોજમાંથી રાહત આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
