રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજનાથી શિહોરનાં ગુંદાળા-ટાણા ગામનાં માયાબેન લાઠીયાના જીવનમાં આવ્યું આમૂલ પરિવર્તન
મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવાર નહીં પરંતુ આખો સમાજ મજબૂત બને છે: માયાબેન લાઠીયા
“જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે માત્ર પરિવાર નહીં પરંતુ આખો સમાજ મજબૂત બને છે” આ શબ્દો છે શિહોર તાલુકાના ગુંદાળા-ટાણા ગામના રાધે રાધે સખી મંડળના પ્રમુખ શ્રીમતી માયાબેન લાઠીયાના.
સામાન્ય ગૃહિણીથી સખી મંડળના પ્રમુખ સુધી
શ્રીમતી માયાબેન લાઠીયા પોતાની સફળતાની વાત કરતાં કહે છે કે,મેં ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. ગૃહિણી તરીકે પરિવારની જવાબદારીઓ સાથે મર્યાદિત આવકના કારણે રોજિંદા ખર્ચ, બાળકોના શિક્ષણ તથા આરોગ્ય સંબંધિત જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બનતી હતી. આ સમયે મેં કૃષિ સખી તરીકે જોડાવવાનું નક્કી કર્યું ત્યાં કૃષિ સખી તરીકે સેવા આપતાં પાયલબેને સરકારશ્રીની રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજનામાં જોડાવા પ્રોત્સાહિત કર્યાં. આજે હું રાધે રાધે સખી મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છું અને મારી સાથે ૧૦ જેટલી મહિલાઓ સ્વરોજગાર પ્રવૃત્તિમાં જોડાઈ છે.
સ્વરોજગારથી આવકમાં નોંધપાત્ર વધારો
અમારાં રાધે રાધે સખી મંડળને વધું વેગવંતુ બનાવવા NRLM યોજના અંતર્ગત અમે રૂ.૨ લાખની લોન મેળવી. આ નાણાકીય સહાયના આધારથી મંડળ દ્વારા ઓર્ગેનિક સાબુ, હર્બલ શેમ્પૂ તથા હેર ઓઈલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. હાલ મંડળ માસિક રૂ.૨૫ હજારથી વધુ આવક મેળવી રહ્યું છે અને વાર્ષિક રૂ.૩ લાખથી વધુ આવક પ્રાપ્ત કરી રહ્યું છે.
ઉત્પાદન, માર્કેટિંગ ક્ષેત્રે રાધે રાધે સખી મંડળનું કાર્ય
ઉત્પાદન, માર્કેટિંગ ક્ષેત્રે રાધે રાધે સખી મંડળના કાર્ય અંગે માયાબેને કહ્યું કે,મંડળ દ્વારા ઉત્પાદિત સામગ્રીનું વેચાણ ગ્રામ હાટ, તાલુકા અને જિલ્લા કક્ષાના મેળાઓમાં કરવામાં આવે છે. સાથે સાથે આસપાસના ગામો ઉપરાંત અમદાવાદ, અમરેલી અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ ઓર્ડર આધારીત વેચાણ કરીને ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવી છે.
સામાજિક અને આર્થિક પરિવર્તન
સામાજિક અને આર્થિક પરિવર્તન અંગે તેમણે કહ્યું કે, મહિલાઓના પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. બાળકોના શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે. મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે અન્ય મહિલાઓને પણ સ્વરોજગાર અપનાવવાની પ્રેરણા મળી રહી છે.
રાજ્ય બહારના મેળાઓમાં ભાગીદારી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુના માર્ગદર્શનથી અમને આંધ્રપ્રદેશ ખાતે યોજાયેલા સરસ મેળામાં ભાગ લેવાનો અવસર મળ્યો. આ મેળામાં રૂ.૧ લાખ ૨૭ હજારનું વેચાણ કરવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
NRLM : સશક્તિકરણનું અસરકારક માધ્યમ
રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલ રાધે રાધે સખી મંડળ દ્વારા બચતની ટેવ, સામૂહિક શક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થયો છે. યોજનાના અસરકારક અમલથી ગ્રામિણ મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
વિકસિત ભારત ૨૦૪૭ તરફનું પ્રેરણાદાયી યોગદાન
આ રીતે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધેલી માયાબેન લાઠીયા આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે અને વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.



