GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ: ઉત્તર ગુજરાતનું સંજીવની કેન્દ્ર
વર્ષ ૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન
પાટણ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને શિરમોર સંસ્થા તરીકે ઉભરી આવી છે. સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આ હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદ સમાન બની રહી છે.
વર્ષ ૨૦૧૨માં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ, આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનો એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. પાટણ–ઉંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત ૬૦ એકરમાં પથરાયેલી આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ રીતે કાર્યરત છે. દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સક્ષમ કાર્યદક્ષ તજજ્ઞો નિષ્ઠાપૂર્વક સેવા ફરજ નિભાવે છે. કોવિડ મહામારી દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને વરદાન રૂપ સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ હોસ્પિટલ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો સુધીની વસ્તીને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે. અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે આ હોસ્પિટલ આશ્રયસ્થાન સમાન બની રહી છે.
હોસ્પિટલનો પ્રારંભિક કાર્ય આરંભ નવેમ્બર ૨૦૧૦થી થયો હતો, જ્યારે વર્ષ ૨૦૧૨માં આ હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આધુનિક સુવિધાઓ અને તબીબી સંભાળ
હોસ્પિટલમાં કુલ ૭૭૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં —
જનરલ વોર્ડ: 220
બાળકોનું વોર્ડ: 100
ત્વચા વિભાગ: 10
મનોચિકિત્સા વિભાગ: 20
જનરલ સર્જરી: 150
ઓર્થોપેડિક્સ: 80
આંખ વિભાગ: 30
કાન, નાક અને ગળા (ENT): 30
પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ: 100
ICU સુવિધા: 30 સમાવેશ થાય છે.
તાજેતરમાં હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના 50 બેડની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. રોજિંદા આશરે ૧૨૦૦ થી ૧૩૦૦ ઓપીડી (OPD) દર્દીઓની સારવાર થાય છે, જ્યારે ૪૦૦ થી ૫૦૦ દર્દીઓ ઈનપેશન્ટ (IPD) તરીકે દાખલ થાય છે. દર મહિને આશરે ૪૦૦ થી ૫૦૦ મેજર સર્જરી અને ૮૦૦ થી ૯૦૦ માયનર સર્જરી કરવામાં આવે છે.
વિશેષ સુવિધાઓ અને યોજનાઓ હેઠળની સારવાર
હોસ્પિટલમાં ફેફસાં, મગજ, હૃદય અને ગાંઠ (Cancer) જેવા ગંભીર રોગોમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) તેમજ મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ દર્દીઓને વિશેષ તજજ્ઞ ડોક્ટરોની સેવા અને મફત અથવા રાહતદરની સારવાર ઉપલબ્ધ છે. દર મહિને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ ૯૦૦ જેટલા ક્લેઇમ કરવામાં આવે છે. આગામી સમયમાં હોસ્પિટલ ખાતે રેન બસેરા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ૧૫૦ થી વધુ દર્દી પરિવાર માટે રહેવા જમવાની સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે.
ધારપુર હોસ્પિટલને આઈ બેન્કની મંજૂરી મળતાં કોઈપણ વ્યક્તિ જે આઈ ડોનેટ (ચક્ષુદાન) કરવા ઈચ્છતા હોય તેમજ ઝામરનું ઓપરેશન કરાવવું હોય તે સુવિધા હવે ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. તો કાનની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર બેઝ અને મગજની સર્જરી માટેના હાઈ એન્ડ માઈક્રોસ્કોપ જેવા અત્યાધુનિક મશીનો પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બન્યાં છે જેનાથી ઓપરેશન માટે અમદાવાદ કે અન્ય મેગા સિટીમાં જવાનું ટળ્યું છે.
નોંધનીય છે કે હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓને નોંધ લેતાં તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના હસ્તે હેલ્થ એન્ટ્રિપ્રિન્યોર એવોર્ડ આપી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરનું સન્માન કરવામાં આવ્યું છે.
મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહે જણાવ્યું કે, “GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બની છે,”
મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ શર્માએ માહિતી આપતાં જણાવ્યું, કે “અમારું લક્ષ્ય દર્દી કેન્દ્રિત સારવાર સાથે ગુણવત્તા અને માનવતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપવાનું છે.”
આ રીતે GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનો કેન્દ્ર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે એક સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહી છે.
અદ્યતન સારવાર અને ડાયગ્નોસ્ટિક સેવાઓ
24×7 તાત્કાલિક સેવા, OPD અને IPD
મેડિકલ, સર્જીકલ, ઓર્થોપેડિક્સ, સ્ત્રી-પ્રસૂતિ, બાળકો, આંખ, ENT, ચામડી, શ્વસન તંત્ર, માનસિક રોગ, ડાયલિસીસ
ડાયગ્નોસ્ટિક સુવિધાઓ: CT-Scan, Sonography, X-Ray, 2D Echo
લેબોરેટરી સેવાઓ: બાયો કેમીસ્ટ્રી, માયક્રોબાયોલોજી, પેથોલોજી, સેરોલોજી
બ્લડ બેંક, ઓપરેશન થીએટર, ડાયેટ, લિનન-લૉન્ડ્રી, સફાઈ, એમ્બ્યુલન્સ અને અન્ય આધારભૂત સુવિધાઓ
ધારપુર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ
ધારપુર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત વિવિધ વિભાગોમાં સ્પેશિયલાઈઝ્ડ તાલીમ શરૂ થઈ રહી છે.
હાલમાં કોલેજના 10 વિભાગોમાં DNB (Diplomate of National Board) કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ તાલીમ ઉપલબ્ધ થશે.
તે ઉપરાંત, 8 વિભાગોમાં MS અને MD કોર્સ શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે, જે આગામી સમયગાળામાં શરૂ થવાની છે. આ પગલાથી ઉત્તર ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહાર જવાની જરૂર ન રહે અને સ્થાનિક સ્તરે ઉત્તમ શિક્ષણ તથા ક્લિનિકલ ટ્રેનીંગની તક મળશે.
આ તમામ કોર્સની શરૂઆતથી GMERS ધારપુર મેડિકલ કોલેજ શિક્ષણ, સંશોધન અને આરોગ્યસેવાના ક્ષેત્રમાં વધુ એક માઇલસ્ટોન સ્થાપિત કરી રહી છે.

