પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વારા સિંચાતી-સચવાતી ખેતી: નવસારીના પ્રગતિશીલ ખેડૂત પરિમલ દેસાઈ
{પ્રાકૃતિક પેદાશના વેચાણકરનાર ખેડૂત મિત્રોએ GOPCA માં રજીસ્ટ્રેશન જરૂરથી કરાવવું} { સરકારના અથાગ પ્રયત્નો થકી આજે લોકોમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતા ઘણી વધી છે } {નવસારી કૃષિ યુનીવર્સીટી તથા સરકારના કૃષિ વિભાગમાંથી સતત ટેકનીકલ માર્ગદર્શન અને વેચાણના પ્લેટફોર્મ મળી રહે છે - પ્રગતિશીલ ખેડૂત પરિમલભાઈ દેસાઈ
દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે.
લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે અને લોકોની આરોગ્ય ગરિમા પણ જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાયું છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના ખેડૂત શ્રી પરીમલભાઈ દેસાઈએ ૨૦૧૦ થી પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બન્યા છે. પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે કેરી ,ચીકુ શેરડી, ચોખા જેવા પાકોનું ઉત્પાદન કરીને તેનું મૂલ્યવર્ધન કરીને ડબલ આવક મેળવી છે.
પરિમલભાઈ દેસાઈ કહે છે કે, આજના સમયમાં પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. વધતા જતા રાસાયણિક ખાતરો- પેસ્ટીસાઈડઝ, દવાઓના પરિણામે કેન્સર જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે ગાય, ગામડુ અને ખેતી વિના ઉદ્ધાર નથી.
પરિમલભાઈ જણાવે છે કે, ૨૦૧૦ ના વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી . પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું સંપુર્ણ પાલન કરીને ખેતીમાં અદ્દભુત પરિણામો મેળવ્યા છે. ખેતીપાકોમાં બીજામૃત , ઘન જીવામૃત , આચ્છાદાન, વાપસા, મિશ્રપાક એમ પાંચ આયામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં વિવધ પ્રયોગો કરીને પોતાની જમીનને રસાયણયુકત ખેતીમાંથી મુક્ત કરી છે.
આ પ્રગતિશીલ ખેડૂત કહે છે કે, પંચસ્તરીય મોડેલના ઉપયોગથી અનેકગણું પરિણામ મળ્યું છે. પ્રાકૃતિક કૃષિથી મારી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે જેથી જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. સરવાળે વીજળી બિલ પણ ઘટ્યું, પાણીની બચત થઈ, જમીનમાં પણ સુધારો થયો અને એકંદરે અમારો ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે.
તેઓએ પ્રાકૃતિક ખેતીનો પ્રસાર-પ્રચાર થાય તે માટે મંદિર ગામમાં આવેલ ‘શાંતિ નીલયમ’ પ્રાકૃતિક કૃષિ ફાર્મનું GOPCA હેઠળ રજીસ્ટ્રેશન કરાવી ગામના આસપાસના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ નવસારી કૃષિ યુનીવર્સીટીના કૃષિ સેમીનાર અને વર્કશોપમાં અચૂક હાજર રહે છે અને જણાવે છે કે આજે સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોની જાગૃતામાં વધારો થયેલ છે અને નવસારી કૃષિ યુનીવર્સીટી તથા કૃષિ વિભાગના જિલ્લા ખેતીવાડી કચેરી , બાગાયત કચેરી અને આત્મા પ્રોજેક્ટ દ્વાર ખેડૂતોને પ્રાકતિક ખેતીનું સતત માર્ગદર્શન અને તમામ પ્રકારની સહાય મળી રહે છે .
પરિમલ ભાઈ કહે છે કે, આજે જે પ્રમાણે રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે. જેથી ધરતીમાતાને પુન: ફળદ્રુપ બનાવવા અને લોકોને સ્વસ્થ, સશક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
પરિમલ ભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. ગામનો પૈસો ગામમાં, શહેરનો શહેરમાં અને દેશનો પૈસો દેશમાં રહેશે. આ ખેતીમાં રોજગારીની પણ વિપુલ તકો રહેલી છે. પ્રગતિશીલ યુવાનો આ ખેતીને ઉન્નત બનાવી શકે છે.
સૌ ખેડૂતોએ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ અને સમૃદ્ધ સમાજ તથા રાષ્ટ્રનિર્માણ માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો.
(આલેખન : ભાવિન પાટીલ)



