Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauવલસાડSuccess Story

વાપી કોપરલીના ચંપાબેન પટેલની જીભના કેન્સરની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામુલ્યે કરાઈ

અમારી પાસે પૈસા ન હતા, આયુષ્યમાન કાર્ડથી મફત સારવાર અપાવવા બદલ સરકારનો ઘણો આભાર – લાભાર્થી ચંપાબેન

વલસાડShare on WhatsApp
વાપી કોપરલીના ચંપાબેન પટેલની જીભના કેન્સરની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામુલ્યે કરાઈ
Download image

સંકલન – સલોની પટેલ

સામાન્ય ગરીબ પરિવારમાં કોઈ એક વ્યક્તિને કેન્સરની બીમારી થાય ત્યારે અનેક સંકટોનો સામનો કરવો પડે છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો સારવાર કરાવવાનું તો તેઓ વિચારી જ શકતા નથી. પરંતુ આવા વિકટ સમયે જ સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ પરિવારોની વ્હારે આવે છે. આવું જ કંઈક વલસાડ જિલ્લાના વાપી તાલુકા કોપરલી ગામના અતુલ ફળિયામાં રહેતા ૫૧ વર્ષીય ચંપાબેન બાલુભાઈ હળપતિ અને એમનો પરિવાર સામાન્ય મજૂરીકામ કરી જીવન નિર્વાહ કરતા પરિવાર સાથે પણ થયું. ચંપાબેનને જુલાઈ-૨૦૨૪માં જીભના કેન્સરની બીમારીનું નિદાન થયું ત્યારે તેમની સારવારનો આશરે રૂ.૩ થી ૪ લાખ સુધીનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લઈ આ ગરીબ પરિવારનો સરકાર આશરો બની છે.     

ચંપાબેન હાલમાં કેન્સરમુક્ત છે અને સરકારનો આભાર માનતા જણાવે છે કે, ગયા વર્ષે જુલાઈમાં મને જીભનું કેન્સર હોવાની જાણ થઈ હતી. બીમારીની જાણ થતાં કોપરલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મને તરત જ આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યો હતો. વધુ સારવાર માટે અમે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ગયા હતા. ત્યાંથી સુરત કીમોથેરેપી માટે મોકલવામાં આવ્યા હતાં, જ્યાં કીમોથેરેથીના ત્રણ સેશન આપ્યા હતા. ત્યારબાદ રાજચંદ્ર હોસ્પિટલમાં કીમોથેરીપીના ત્રણ સેશન આપ્યા અને તા.૨૦-૧૧-૨૦૨૪ના રોજ મારું ઓપરેશન થયું હતું. મારી કીમોથેરેપી અને ઓપરેશન વિનામુલ્યે થયા હતા. અમે મજૂરી કામ કરી જીવીએ છીએ, અમારી પાસે પૈસા ન હતા. આજે હું સ્વસ્થ છું, મફતમાં સારવાર અપાવવા બદલ સરકારનો ઘણો આભાર માનું છું.   

કોપરલી આયુષ્યમાન આરોગ્ય મંદિરના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. તૃષાની પટેલે જણાવ્યું હતું કે, ચંપાબેનના જીભના કેન્સરનું નિદાન થતાં તમામ સારવાર વિનામુલ્યે થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી તેમનો આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. જીભનું કેન્સર હોવાથી તેમની સ્પ્લીટ ટંગ (જીભ કાપવા)નું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં તેમના કેન્સરવાળી ડાબી તરફની જીભને કાપી કેન્સરને અગળ વધતું અટકાવવામાં આવ્યું છે અને તેઓ આજે કેન્સરમુક્ત સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સમયાંતરે હોમ વિઝિટ કરી તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે.

સરકારની આયુષ્યમાન ભારત યોજના વલસાડ જિલ્લાના અનેક ગરીબ દર્દીઓને નવું જીવન પ્રદાન કરી રહી છે. સામાન્ય બીમારીની સારવાર હોય કે પછી કેન્સર જેવી મોટી બીમારીની સારવાર હોય એ તમામનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવી રહ્યો છે. જેથી ગરીબ પરિવારો સરકારની આરોગ્ય યોજનાઓની સરાહના કરવાની સાથે સાથે આભાર પણ વ્યક્ત કરે છે.