Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauખેડાSuccess Story

કપડવંજ તાલુકાના નવાગામની સગર્ભા માતાને રસ્તામાં જ પ્રસૂતિની પીડા ઉપડતાં ૧૦૮ની ટીમે તબીબી માર્ગદર્શન હેઠળ કરાવી સફળ નોર્મલ ડિલિવરી

ખેડાShare on WhatsApp

રાત્રીનો સમય... બહાર વરસાદ વરસી રહ્યો હતો... અને એક સગર્ભા માતા પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાઈ રહી હતી. પરિવારજનો માટે એ ક્ષણ ચિંતાજનક હતી. આવા સમયે એક ફોનકોલ આશાનું કિરણ બન્યો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ‘દેવદૂત’ બનીને પરિવારની મદદે પહોંચી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નવાગામ ગામમાં રહેતા ૩૨ વર્ષીય સગર્ભા બહેનને રાત્રિના સમયે પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. કઠલાલ IFT ૧૦૮ લોકેશન પર કોલ મળતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે પહોંચી હતી.

એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા EMT ઈરફાન કારીગર તથા પાયલોટ દેવાંશુભાઈ મકવાણાએ દર્દીની પ્રાથમિક તપાસ કરતાં અગાઉ સીઝેરિયન ડિલિવરી થયેલી હોવાનું તેમજ હાલની સ્થિતિ હાઈરિસ્ક હોવાનું જાણવા મળ્યું હતું. દર્દીને વધુ સારવાર માટે આશરે ૬૦ કિમી દૂર આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની કામગીરી શરૂ કરવામાં આવી…..પરંતુ... મંજિલ સુધી પહોંચે એ પહેલાં જ પરિસ્થિતિએ નવો વળાંક લીધો.

રસ્તામાં વરસાદ વચ્ચે સગર્ભા માતાની પ્રસૂતિની પીડા વધુ તીવ્ર બનતાં એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની તાત્કાલિક પરિસ્થિતિ ઊભી થઈ. ૧૦૮ ટીમે હિંમત અને સમજદારીપૂર્વક એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઊભી રાખી હતી. ત્યારબાદ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ફરજ બજાવતા ફિઝિશિયન ડૉ. સહદેવ સાહેબ પાસેથી તબીબી માર્ગદર્શન મેળવી EMT ઈરફાનભાઈએ જરૂરી કામગીરી હાથ ધરી.

વરસાદની વચ્ચે, રસ્તાની બાજુએ ઊભેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જીવનને દુનિયામાં આવકારવાની ઘડી આવી... … તબીબી માર્ગદર્શન, ૧૦૮ ટીમની તત્પરતા અને કુશળ કામગીરીના પરિણામે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી. અગાઉ સીઝેરિયન ડિલિવરી થયેલી હોવા છતાં જટિલ પરિસ્થિતિમાં માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. નવજાત બાળકનું વજન આશરે ૨.૯૦૦ કિલોગ્રામ હતું.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને જરૂરી ઇન્જેક્શન તથા પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ વધુ સારવાર અને દેખરેખ માટે બંનેને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દેહગામ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા.

આ સમગ્ર કામગીરી માત્ર એક સફળ પ્રસૂતિ નહોતી, પરંતુ કટોકટીની ઘડીએ તત્પરતા, માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું જીવંત ઉદાહરણ બની હતી.

માતા અને બાળકને સુરક્ષિત જોઈ પરિવારજનોના ચહેરા પર રાહત અને ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મુશ્કેલીની એ ઘડીએ ૧૦૮ની ટીમ સમયસર ન પહોંચી હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત.

દર્દીના પરિવારજનો તેમજ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા EMT ઈરફાનભાઈ કારીગર તથા પાયલોટ દેવાંશુભાઈ મકવાણાની તત્પરતા, હિંમત અને સેવાભાવને બિરદાવવામાં આવ્યા હતા.

એક ફોનકોલથી શરૂ થયેલી આ સફર... વરસાદી રાતમાં દોડતી ૧૦૮ એમ્બ્યુલન્સ... રસ્તામાં જન્મેલું એક નવું જીવન... અને અંતે માતા-બાળકની સલામતી — ૧૦૮ સેવા ફરી એકવાર ‘જીવનરક્ષક’ અને ‘દેવદૂત’ બની હોવાનો અહેસાસ કરાવી ગઈ.... રજુઆત - હેમલત્તા પારેખ