Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ભાવનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ(ઘોઘા)ની સમયસર સારવાર અને સંકલનથી માતા અને જોડિયા બાળકોને મળ્યું નવજીવન

માતા અને બાળકોને જરૂરી તમામ સારવાર સંપૂર્ણપણે સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ

ભાવનગરShare on WhatsApp
ભાવનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ(ઘોઘા)ની સમયસર સારવાર અને સંકલનથી માતા અને જોડિયા બાળકોને મળ્યું નવજીવન
Download image

સરકારી આરોગ્ય સેવાઓની સાચી ઓળખ ત્યારે થાય છે, જ્યારે અત્યંત ગંભીર અને પડકારજનક પરિસ્થિતિમાં પણ સમયસર નિર્ણય, અસરકારક સંકલન અને સંવેદનશીલ સારવાર દ્વારા દર્દીનું જીવન બચાવી શકાય. ભાવનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વાળુકડ ખાતે તાજેતરમાં આવો જ એક અત્યંત જટિલ અને હાઈ-રિસ્ક કેસમાં  સફળતાપૂર્વક સંભાળી સરકારી આરોગ્ય વ્યવસ્થાની કાર્યક્ષમતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

લાખણકા ગામના રહેવાસી બેનની સગર્ભાવસ્થા જોખમી શ્રેણીમાં હતી. ગર્ભમાં જોડિયા બાળકો (Twin Pregnancy) હોવાની સાથે અનેક ગંભીર તબીબી જટિલતાઓ સામે આવી હતી. માતાને હાઇ બ્લડ પ્રેસર હતું, ગર્ભમાં પાણીનું પ્રમાણ અત્યંત ઓછું (Oligohydramnios) હતું, એક શિશુની આસપાસ ગર્ભનાળ વીંટળાયેલી (Cord Around Neck) હતી અને એક બાળકમાં IUGR (Intrauterine Growth Restriction)ને કારણે વિકાસ અવરોધ તથા ઓછા જન્મ વજનની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આવી તમામ પરિસ્થિતિઓ માતા અને બંને શિશુઓના જીવન માટે અત્યંત જોખમી માનવામાં આવે છે.

શરૂઆતમાં લાભાર્થી પરિવાર સરકારી આરોગ્ય સેવાઓ અંગે ચિંતિત હતા. જોકે, પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં આવતા પી.એચ.સી. વાળુકડના મેડિકલ ઓફિસર(આયુષ) ડૉ. ધવલ દવે અને મેડીકલ ઓફિસર ડૉ. રાકેશ ખીમાણીએ વ્યક્તિગત રીતે સમગ્ર કેસની જવાબદારી સંભાળી હતી અને બંને તબીબી અધિકારીઓએ સતત દેખરેખ, યોગ્ય માર્ગદર્શન અને પરિવાર સાથે સતત સંવાદ દ્વારા માત્ર ક્લિનિકલ મેનેજમેન્ટ જ નહીં, પરંતુ લાભાર્થી પરિવારનો સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ પણ પુનઃસ્થાપિત કર્યો હતો. સુપરવાઇઝર શ્રીમતી કૈલાસબેન શીયાળ અને શ્રી એલ એમ બોરીચા એ પણ વ્યક્તિગત ધ્યાન આપી સંકલન કર્યુ હતું.

કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને TeCHO+  પ્લેટફોર્મ પર દર્દીને તાત્કાલિક હાઈ રિસ્ક ટ્વીન પ્રેગ્નન્સી તરીકે અપડેટ કરવામાં આવ્યો અને તમામ જરૂરી પ્રોટોકોલ અમલમાં મૂકાયા હતા. પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ દરમિયાન સ્ત્રીરોગ નિષ્ણાતો તથા બાળરોગ નિષ્ણાતો સાથે સતત સંકલન કરીને યોગ્ય સમયસર નિર્ણય લેવામાં આવ્યા જેના પરિણામે સુરક્ષિત રીતે સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

પ્રસૂતિ બાદ જન્મેલા જોડિયા બાળકોમાંથી બાળકીનું જન્મ વજન માત્ર ૧.૨૦૦ કિલોગ્રામ હોવાથી તેને તાત્કાલિક NICUમાં દાખલ કરવામાં આવી હતી. જે વજન ઘટીને એક તબક્કે માત્ર 980 ગ્રામ થઇ ગયુ હતુ. બંને તબીબી અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લઈને બાળરોગ નિષ્ણાતો પાસેથી નિયમિત ફીડબેક મેળવ્યો અને સારવારની સતત સમીક્ષા કરી હતી. જ્યારે ૨.૨૦૦ કિલોગ્રામ વજન ધરાવતા પુરૂષ બાળક તથા માતા માટે આર.બી.એસ.કે. ટીમ, એ.એન.એમ. સજનબા પરમાર અને આશા કાર્યકર પુંજીબેન દ્વારા ઘર આધારિત નવજાત શિશુ સંભાળ (HBNC) અને નિયમિત ગૃહ મુલાકાતો સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ સમગ્ર સારવાર પ્રક્રિયામાં માતા અને બાળકોને જરૂરી તમામ ઉચ્ચ સ્તરની સારવાર સંપૂર્ણપણે સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરિણામે લાભાર્થી પરિવારને કોઈપણ પ્રકારનો આર્થિક બોજ સહન કરવો પડ્યો નથી. 

સમયસર નિદાન, અસરકારક ટીમવર્ક, નિષ્ણાતો સાથેનું સુમેળભર્યું સંકલન અને તબીબી અધિકારીઓની સતત વ્યક્તિગત દેખરેખના પરિણામે માતા અને બંને જોડિયા બાળકો આજે સંપૂર્ણપણે સ્વસ્થ અને સ્થિર છે.

જે પરિવાર શરૂઆતમાં ચિંતાની સ્થિતિમાં હતો, તે આજે ડૉ. ધવલ દવે, ડૉ. રાકેશ ખીમાણી તથા  પી.એચ.સી. વાળુકડની આરોગ્ય ટીમ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે.

આ ઘટના માત્ર એક સફળ પ્રસૂતિનો કિસ્સો નથી, પરંતુ સમયસરનું નેતૃત્વ, સચોટ ક્લિનિકલ નિર્ણય, સંવેદનશીલ સેવા અને મજબૂત સરકારી આરોગ્ય વ્યવસ્થાના સમન્વયથી જીવલેણ પરિસ્થિતિને સફળતામાં પરિવર્તિત કરવાની પ્રેરણાદાયી ગાથા છે.
 
પી.એચ.સી. વાળુકડની આ કામગીરી દર્શાવે છે કે પ્રતિબદ્ધ ટીમ, યોગ્ય આયોજન અને દર્દીકેન્દ્રિત અભિગમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ઉચ્ચ ગુણવત્તાની અને જીવનરક્ષક આરોગ્ય સેવા અને અસરકારક સંકલન સફળતાપૂર્વક પૂરી પાડી શકે છે.