સરતાનપરના નાનકડા બાળગાયક મિહિર ચૌહાણના પ્રાકૃતિક કૃષિ વિષયક ગીતે રાજ્યપાલશ્રી સહિત સૌને કર્યા ભાવવિભોર
ભાવનગર જિલ્લાના સરતાનપર ગામ ખાતે યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં એક ભાવસભર ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ગામના નાનકડા બાળગાયક મિહિર ચૌહાણે પ્રાકૃતિક કૃષિના મહત્ત્વને ઉજાગર કરતું હૃદયસ્પર્શી ગીત રજૂ કર્યું હતું. "મારા વારસામાં આવી તી લીલી વાડી... મારી ખેતીને મારે ઝેર નથી આપવું..." જેવા ભાવસભર શબ્દો દ્વારા તેમણે ઝેરમુક્ત ખેતી, ફળદ્રુપ ધરતી, શુદ્ધ પાણી, સમૃદ્ધ પર્યાવરણ અને સ્વસ્થ માનવજીવનનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
બાળગાયકની નિર્દોષ અભિવ્યક્તિ અને ભાવપૂર્વકની રજૂઆતે સમગ્ર ગ્રામસભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નહીં, પરંતુ આવનારી પેઢીઓને સ્વસ્થ જીવન અને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ છે, તે ભાવ ગીતમાં અત્યંત સરળ અને અસરકારક રીતે અભિવ્યક્ત થયો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગામના બાળક દ્વારા આપવામાં આવેલો આ સંદેશ સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યો હતો. રાજ્યપાલશ્રી સહિત ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે બાળગાયકને બિરદાવ્યો હતો.
આ રજૂઆત ગામડાંના બાળકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ અને સંસ્કારોનું સિંચન થઈ રહ્યું હોવાનું જીવંત ઉદાહરણ બની હતી.

