વરતેજ ખાતે યોજાયેલ જન કલ્યાણ શિબિરમાં હરિચંદ્રસિંહ ગોહિલને તાર ફેન્સિંગ યોજનાનો મંજૂરી પત્ર એનાયત
પ્રાકૃતિક કૃષિ કરતાં હરિચંદ્રસિંહ ગોહિલ ને ઘર આંગણે મળ્યો સરકારની યોજનાનો લાભ
ભાવનગરના વરતેજ ખાતે આયોજિત જન કલ્યાણ શિબિરમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિચંદ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને કૃષિ ક્ષેત્રની યોજનાની તાર ફેન્સિંગ યોજના અંતર્ગત મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
મંજૂરી પત્ર પ્રાપ્ત થતાં હરિચંદ્રસિંહ ગોહિલે રાજ્ય સરકાર તથા સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તાર ફેન્સિંગ યોજનાથી ખેડૂતોને પોતાના ખેતરોને રખડતા પશુઓ અને અન્ય નુકસાનથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે, જેના કારણે પાકનું સંરક્ષણ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા જન કલ્યાણ શિબિરના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભો સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો સરાહનીય છે. આવી યોજનાઓ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.


