મેદસ્વિતા ઘટાડવા દરરોજ ૨૦ થી ૩૦ મિનિટ નિયમિત યોગ વધુ ફાયદાકારક
અઘરા આસનોને બદલે સરળ અને અસરકારક આસનોથી યોગની શરૂઆત કરવી હિતાવહ
આધુનિક જીવનશૈલી, અનિયમિત આહાર અને વધતા માનસિક તણાવના કારણે મેદસ્વિતા (મોટાપો) એક સામાન્ય સમસ્યા બની રહી છે. મેદસ્વિતા ઘટાડવા અને શરીરને સ્વસ્થ તથા સ્ફૂર્તિમય રાખવા માટે યોગ એક અસરકારક, સુરક્ષિત અને કુદરતી ઉપાય છે. યોગ માત્ર કેલરી બાળવામાં જ મદદરૂપ નથી બનતો, પરંતુ શરીરની પાચનક્રિયા (મેટાબોલિઝમ) સુધારવા, માનસિક તણાવ ઘટાડવા અને સમગ્ર આરોગ્યને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વજન વધવાના મુખ્ય કારણોમાં માનસિક તણાવનો પણ સમાવેશ થાય છે. યોગ શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપિત કરીને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે, જેના કારણે વજન નિયંત્રણમાં રાખવામાં સહાય મળે છે.
વજન ઘટાડવાના હેતુથી યોગની શરૂઆત કરતા લોકો માટે શરૂઆતમાં સરળ અને સહેલાઈથી કરી શકાય તેવા આસનો પસંદ કરવાનું વધુ યોગ્ય ગણાય છે. ખૂબ અઘરા આસનો કરવાને બદલે શરીરની ક્ષમતા મુજબ ધીમે-ધીમે પ્રગતિ કરવી જોઈએ.
શરૂઆત માટે તાડાસન (શરીરને સીધું રાખીને સંતુલન અને સ્થિરતા વધારવા માટે), વૃક્ષાસન (એકાગ્રતા અને સંતુલન માટે), વજ્રાસન (પાચન માટે લાભદાયક અને ભોજન પછી પણ કરી શકાય તેવું આસન), શશાંકાસન (મનને શાંત કરવા તથા કમરના હળવા ખેંચાવા માટે), મકરાસન (આરામદાયક આસન, કમરને આરામ આપવા માટે), ભુજંગાસન (પીઠને મજબૂત બનાવવા માટે), પવનમુક્તાસન (વાયુ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ) તેમજ દીર્ઘ શ્વસન અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ જેવા યોગાભ્યાસ ખૂબ જ ઉપયોગી અને સરળ માનવામાં આવે છે.
આ ઉપરાંત સૂર્ય નમસ્કાર, કપાલભાતિ પ્રાણાયામ, ત્રિકોણાસન, ભુજંગાસન અને ધનુરાસન જેવા યોગાસનો શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. જોકે આવા આસનો અનુભવી યોગ ગુરુ અથવા નિષ્ણાતની સલાહ અને માર્ગદર્શન હેઠળ કરવાનું વધુ હિતાવહ છે.
યોગ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી પણ જરૂરી છે. તાજેતરમાં કોઈ ઓપરેશન કરાવ્યું હોય, વધારે તાવ, ચેપ અથવા ગંભીર બીમારી હોય, ગંભીર હૃદયરોગ હોય, ખૂબ ઊંચું અથવા અસ્થિર બ્લડ પ્રેશર હોય, કમર, ગરદન કે ઘૂંટણની ગંભીર ઈજા હોય, ગર્ભાવસ્થા દરમિયાન, ચક્કર આવવાની અને સંતુલનની ગંભીર સમસ્યા હોય તો યોગ શરૂ કરતા પહેલાં ડૉક્ટર અથવા યોગ નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ.
યોગાભ્યાસ માટેનો શ્રેષ્ઠ સમય સવારનો ગણાય છે. યોગ હંમેશા ખાલી પેટે કરવો જોઈએ. જો સાંજે યોગ કરવો હોય તો ભોજન લીધા પછી ઓછામાં ઓછા ૩ થી ૪ કલાકનો સમયગાળો રાખવો જરૂરી છે. શરૂઆતમાં શરીર પૂરતું લવચીક ન હોય તો જબરદસ્તી કોઈ આસન કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. સતત યોગને જીવનમાં અપનાવવાથી ધીમે-ધીમે શરીરની ક્ષમતા અને સ્નાયુઓની લચક વધે છે તેથી ધીરજ રાખવી જરૂરી છે.
યોગનો સાચો લાભ નિયમિતતા અને સતત અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. અઠવાડિયામાં એક દિવસ લાંબા સમય સુધી યોગ કરવા કરતાં દરરોજ માત્ર ૨૦ થી ૩૦ મિનિટ નિયમિત યોગાભ્યાસ કરવો વધુ અસરકારક સાબિત થાય છે.
માત્ર યોગ કરવાથી જ વજન ઘટાડવું શક્ય નથી. તેની સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાનો પણ એટલો જ મહત્ત્વનો ભાગ છે. તળેલા, ગળ્યા અને જંક ફૂડનું સેવન ઘટાડવું અથવા ટાળવું જરૂરી છે.
યોગનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે યોગ દરેક વ્યક્તિ માટે છે, પરંતુ દરેક વ્યક્તિએ પોતાની ઉંમર, શારીરિક ક્ષમતા અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય યોગાસનો પસંદ કરવા જોઈએ. યોગ દરમિયાન કોઈ પણ પ્રકારનો દુખાવો કે અસ્વસ્થતા અનુભવાય તો આસન તરત બંધ કરી નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
યોગને દૈનિક જીવનનો ભાગ બનાવી નિયમિત અભ્યાસ કરવામાં આવે તો મેદસ્વિતા ઘટાડવા ઉપરાંત શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો પ્રાપ્ત કરી શકાય છે.
