શ્રી વાજપેયી બેન્કેબલ યોજના : પાટણ જિલ્લાના ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભરતા તરફ પ્રેરતી સફળ પહેલ
૬,૪૫૯ અરજીઓને મંજૂરી, રૂ. ૧૨,૮૧૯.૮૩ લાખની લોન સહાય મંજૂર
રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા અને યુવાનો, મહિલાઓ તેમજ નાના ઉદ્યોગસાહસિકોને આર્થિક રીતે સશક્ત બનાવવા અમલમાં મુકાયેલી શ્રી વાજપેયી બેન્કેબલ યોજના પાટણ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ રહી છે. આ યોજના અંતર્ગત જિલ્લામાં હજારો લાભાર્થીઓને વ્યવસાય, સેવા અને ઉદ્યોગ ક્ષેત્રે સ્વરોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાટણની માહિતી અનુસાર શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ બેંકો દ્વારા કુલ ૬,૪૫૯ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ અરજદારોને રૂ. ૧૨,૮૧૯.૮૩ લાખની લોન સહાય મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત લાભાર્થીઓને પ્રોત્સાહનરૂપે રૂ. ૪૧૭૭.૪૫ લાખની સબસિડી સહાય પણ ચૂકવવામાં આવી છે.
શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ રોજગારલક્ષી પ્રવૃત્તિઓ શરૂ કરવા ઇચ્છુક લાભાર્થીઓને બેંક મારફતે ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમજ સરકાર દ્વારા સબસિડી સહાય પણ આપવામાં આવે છે. જેના કારણે યુવાનો અને ઉદ્યોગસાહસિકોને પોતાના વ્યવસાયની શરૂઆત કરવા માટે જરૂરી આર્થિક આધાર પ્રાપ્ત થાય છે.
આ યોજના પાટણ જિલ્લામાં સ્વરોજગારીને વેગ આપવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. અનેક લાભાર્થીઓએ નાના વ્યવસાય, સેવા આધારિત એકમો તથા વિવિધ ઉદ્યોગો શરૂ કરી આર્થિક સ્વાવલંબન તરફ સફળ પગલાં ભર્યા છે.
રાજ્ય સરકારના વિકસિત ગુજરાત@૨૦૪૭ અને વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં શ્રી વાજપેયી બેન્કેબલ યોજના મહત્વપૂર્ણ સાધન બની રહી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે સતત માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
પાટણ જિલ્લામાં સ્વરોજગારી અને ઉદ્યોગ વિકાસને નવી દિશા આપતી શ્રી વાજપેયી બેન્કેબલ યોજના આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
