Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના

સ્વચ્છતાના સંકલ્પથી રાષ્ટ્રીય ગૌરવ સુધી : સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં પાટણ જિલ્લાની અનોખી સિદ્ધિઓ

પાટણShare on WhatsApp

"સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ, સ્વચ્છ પાટણ – વિકસિત પાટણ" ના મંત્રને સાકાર કરતાં પાટણ જિલ્લાએ સ્વચ્છતા ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લામાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં થયેલા નોંધપાત્ર કાર્યો અને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ પાટણને સ્વચ્છતા અભિયાનનો આદર્શ જિલ્લો બનાવે છે.

ખુલ્લામાં શૌચમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા પાટણ જિલ્લામાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1,91,768 વ્યક્તિગત શૌચાલયોના નિર્માણ કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના 82 ગામોમાં સામુદાયિક શૌચાલયોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિમાં વધારો થયો છે.

સ્વચ્છતા માત્ર શૌચાલય સુધી મર્યાદિત ન રહે પરંતુ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પર્યાવરણ સંરક્ષણ સાથે પણ જોડાય તેવા અભિગમ સાથે જિલ્લામાં ઘન કચરા વ્યવસ્થાપનના કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત 1,367 સામુદાયિક કમ્પોસ્ટ પીટોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી જૈવિક કચરાનો યોગ્ય ઉપયોગ થઈ શકે. ઉપરાંત 408 ગામોમાં સેગ્રીગેશન શેડ ઊભા કરી કચરાના વર્ગીકરણ અને સંચાલનની સુવિધા વિકસાવવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘર-ઘરથી કચરો એકત્ર કરવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા 248 ગામોમાં ઈ-રિક્ષા ફાળવવામાં આવી છે.

પ્રવાહી કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે પણ પાટણ જિલ્લાએ નોંધપાત્ર કામગીરી કરી છે. ગંદા પાણીના વૈજ્ઞાનિક નિકાલ માટે 887 સામુદાયિક સોક પીટો અને 14 ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો કાર્યરત કરવામાં આવ્યા છે. આ પહેલોના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સાથે પર્યાવરણ અને જાહેર આરોગ્યને પણ લાભ મળ્યો છે.

પાટણ જિલ્લાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત વર્ષ 2018 અને 2019માં સતત બે વર્ષ સુધી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પાટણ જિલ્લાએ પશ્ચિમ ઝોનમાં પણ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. એટલું જ નહીં, સમગ્ર દેશમાં પણ પાટણ જિલ્લો અગ્રણી જિલ્લાઓમાં સ્થાન પામ્યો હતો.

વર્ષ 2022માં સતત ત્રીજા વર્ષે પણ રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને પાટણે સ્વચ્છતા ક્ષેત્રે પોતાની આગવી પરંપરા જાળવી રાખી હતી. રાષ્ટ્રીય સ્તરે પણ જિલ્લામાં 15મો ક્રમ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો, કર્મયોગીઓ, સ્વચ્છાગ્રહીઓ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી પાટણ જિલ્લાએ સ્વચ્છતા ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી છે તે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બની છે. આજે પાટણ જિલ્લો માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે જ નહીં, પરંતુ સ્વચ્છતા, સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટ અને જનભાગીદારીના સફળ મોડેલ તરીકે પણ સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે.

સ્વચ્છતા એ માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી છે, અને પાટણ જિલ્લો આ વિચારને સફળતાપૂર્વક સાકાર કરતો જિલ્લો છે.