Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

પ્રાકૃતિક ખેતી : કુદરત સાથેનું સહઅસ્તિત્વ અને સમૃદ્ધ ખેતીનો આધાર

જમીન જીવંત રહેશે તો ખેતી સમૃદ્ધ બનશે, અને ખેતી સમૃદ્ધ બનશે તો ખેડૂત સુખી બનશે."

પાટણShare on WhatsApp

આધુનિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા, પાણીની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એક એવી ખેતી પદ્ધતિ તરીકે ઉભરી આવી છે, જે કુદરતના નિયમો અને ચક્રો સાથે સુમેળ સાધીને ઉત્પાદન, પર્યાવરણ અને સ્વાસ્થ્ય ત્રણેયનું રક્ષણ કરે છે.

પ્રાકૃતિક કૃષિ કોઈ નવી શોધ નથી, પરંતુ આપણા પૂર્વજોની પરંપરાગત અને વૈજ્ઞાનિક સમજણનું આધુનિક સ્વરૂપ છે. તેમાં જમીન, પાણી, હવા, સૂર્યપ્રકાશ, અળસિયાં, સૂક્ષ્મ જીવાણુઓ અને અન્ય કુદરતી તત્ત્વો મળીને ખેતીને ટકાઉ બનાવે છે.

જળચક્ર : પાણીનું કુદરતી બેંક ખાતું

વરસાદનું પાણી જમીનમાં સંગ્રહિત થાય અને પાકને વર્ષભર ભેજ આપતું રહે, તે પ્રાકૃતિક કૃષિની મોટી વિશેષતા છે. જીવામૃત, આચ્છાદન અને સેન્દ્રિય પદાર્થોના ઉપયોગથી જમીન છિદ્રાળુ બને છે. પરિણામે વરસાદનું પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરી સંગ્રહિત થાય છે.

જ્યારે ઉનાળામાં અથવા અછતની સ્થિતિમાં ઉપરની જમીનમાં ભેજ ઘટે છે ત્યારે આ સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા મૂળ સુધી પહોંચે છે અને છોડને જરૂરી ભેજ તથા પોષક તત્ત્વો પૂરાં પાડે છે. તેથી પ્રાકૃતિક ખેતીમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંને સામે પાક વધુ સક્ષમ બને છે.

ખાદચક્ર : છોડની 95 ટકા જરૂરિયાત કુદરત પૂરી કરે છે

છોડના શરીરમાં લગભગ 95 થી 96 ટકા ભાગ કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજનનો બનેલો હોય છે. આ તત્ત્વો છોડને હવા, પાણી અને સૂર્યપ્રકાશમાંથી મળે છે. એટલે કે છોડની મોટાભાગની જરૂરિયાત કુદરત જ પૂરી પાડે છે.

પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિ દ્વારા પાણી, હવા અને સૂર્યપ્રકાશનું યોગ્ય સંચાલન થાય છે, જેના કારણે છોડનો વિકાસ સ્વાભાવિક રીતે થાય છે.

નાઈટ્રોજન ચક્ર : હવામાં રહેલું ખાતર

હવામાં લગભગ 78 ટકા નાઈટ્રોજન રહેલું છે. પાકની વૃદ્ધિ માટે આ તત્ત્વ અત્યંત જરૂરી છે. પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ હવાના નાઈટ્રોજનને છોડને ઉપયોગી સ્વરૂપમાં પરિવર્તિત કરે છે.

વરસાદ અને વીજળીની પ્રક્રિયા પણ જમીનમાં નાઈટ્રોજન પહોંચાડે છે. આથી બહારથી મોંઘાં રાસાયણિક ખાતરો આપવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટી જાય છે.

હ્યુમસ : જમીનની સાચી સંપત્તિ

જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થઈને હ્યુમસનું નિર્માણ થાય છે. હ્યુમસ જમીનની ફળદ્રુપતાનું મુખ્ય કેન્દ્ર છે. તે જમીનમાં પાણી અને પોષક તત્ત્વો જાળવી રાખે છે.

પ્રાકૃતિક કૃષિમાં હવાના નાઈટ્રોજન અને સેન્દ્રિય પદાર્થોના સંયોજનથી સામાન્ય ખેતી કરતાં 8 થી 10 ગણું વધુ હ્યુમસનું નિર્માણ થાય છે. પરિણામે છોડને કુદરતી રીતે વધુ પોષણ મળે છે અને જમીન વર્ષો સુધી ઉપજાઉ રહે છે.

જમીનનો pH : સંતુલિત જમીન, સ્વસ્થ પાક

ગુજરાતની મોટાભાગની જમીનો ક્ષારયુક્ત (આલ્કલાઈન) સ્વભાવ ધરાવે છે. આવી જમીનમાં ઘણા પોષક તત્ત્વો છોડને ઉપલબ્ધ થતા નથી.

પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમાં લેવાતું જીવામૃત જમીનના pH ને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. જેના કારણે જમીનમાં રહેલા પોષક તત્ત્વો છોડ સરળતાથી ગ્રહણ કરી શકે છે અને પાકનો વિકાસ વધુ સારો થાય છે.

અળસિયાં : ખેડૂતના સાચા મિત્ર

પ્રાકૃતિક ખેતીમાં અળસિયાંની સંખ્યા ઝડપથી વધે છે. અળસિયાં જમીનમાં સતત છિદ્રો બનાવી હવા અને પાણીનું કુદરતી સંચાલન કરે છે. તેમની હગાર સામાન્ય માટી કરતાં અનેકગણાં વધુ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

અળસિયાં જમીનની રચનામાં સુધારો કરે છે, પાણી સંગ્રહ ક્ષમતા વધારે છે અને છોડના વિકાસ માટે જરૂરી તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે. તેથી જ અળસિયાંને "ખેડૂતના સાચા મિત્ર" કહેવામાં આવે છે.

માઇકોરાઇઝા : છોડોનું અદ્રશ્ય સંચારતંત્ર

જમીનમાં રહેલી માઇકોરાઇઝા નામની ફૂગ છોડના મૂળ સાથે સહજીવન સ્થાપિત કરે છે. તે દૂર સુધી ફેલાઈ જમીનમાંથી પોષક તત્ત્વો મેળવી છોડ સુધી પહોંચાડે છે.

માત્ર એટલું જ નહીં, માઇકોરાઇઝા એક છોડને બીજા છોડ સાથે જોડીને ભેજ અને પોષક તત્ત્વોની આપ-લે પણ કરાવે છે. આ કુદરતી નેટવર્ક છોડને રોગો અને તણાવ સામે વધુ મજબૂત બનાવે છે.

પ્રાકૃતિક કૃષિ : ખર્ચમાં ઘટાડો, આવકમાં વધારો

પ્રાકૃતિક કૃષિમાં બહારથી ખરીદવાના ખાતર અને જંતુનાશકોની જરૂરિયાત ઘટે છે. જમીનની ફળદ્રુપતા વધે છે, પાણીની બચત થાય છે અને ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે. સાથે સાથે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે.

આજના સમયમાં જ્યારે જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્ય સામે અનેક પડકારો ઊભા થયા છે ત્યારે પ્રાકૃતિક કૃષિ માત્ર એક ખેતી પદ્ધતિ નહીં પરંતુ ટકાઉ વિકાસ, પોષણ સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણનું સશક્ત માધ્યમ બની રહી છે.

પ્રાકૃતિક કૃષિ કુદરતના નિયમો સામે નહીં, પરંતુ કુદરત સાથે મળીને ખેતી કરવાનો માર્ગ છે. જમીનમાં રહેલા અબજો સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયાં, માઇકોરાઇઝા, પાણી અને હવા જેવી કુદરતી શક્તિઓને ઓળખીને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે છે.