Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સિદ્ધપુર તાલુકાના મુડાણા અને કોટ ગામે પ્રાકૃતિક તથા સમતોલ ખેતી અંગે જાગૃતિ તાલીમ યોજાઈ

પ્રાકૃતિક ખેતી બનશે ખેડૂતો માટે લાભદાયી : પાણી બચતથી લઈ ઉત્પાદન ખર્ચ ઘટાડા સુધીના ફાયદા

પાટણShare on WhatsApp
સિદ્ધપુર તાલુકાના મુડાણા અને કોટ ગામે પ્રાકૃતિક તથા સમતોલ ખેતી અંગે જાગૃતિ તાલીમ યોજાઈ
Download image

રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ચાલી રહેલા વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૨૬/૦૫/૨૦૨૬ના રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા અને કોટ ગામ ખાતે ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરોનો કરકસરયુક્ત અને વૈજ્ઞાનિક ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખાતરો, જીવામૃત, ઘન જીવામૃત, વર્મીકમ્પોસ્ટ તથા અન્ય વૈકલ્પિક ખાતરોના ઉપયોગથી જમીનની ઉર્વરતા જાળવી રાખી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતોને માત્ર યુરિયા અને ડીએપી ઉપર નિર્ભર ન રહી એન.પી.કે., કોમ્પ્લેક્સ ખાતરો, નેનો યુરિયા, નેનો ડી.એ.પી. તેમજ બાયોફર્ટિલાઈઝર્સના સંતુલિત ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત જમીન પરીક્ષણ આધારીત ખાતર વ્યવસ્થાપન અપનાવી ખેતીને વધુ ટકાઉ અને પર્યાવરણમૈત્રી બનાવવાના મુદ્દાઓ પર પણ માર્ગદર્શન અપાયું હતું.

તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તામાં સુધારો, પાણીની બચત, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને સ્વાસ્થ્યપ્રદ પાક ઉત્પાદન જેવા લાભોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતોએ તાલીમ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક અને સમતોલ ખેતી પદ્ધતિઓ અંગે રસ દાખવ્યો હતો. જિલ્લા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી.