સાફલ્ય ગાથા વલસાડ જિલ્લામાં 'પોષણ સંગમ' અભિયાનની બેવડી સફળતા: કપરાડાની માસૂમ યોગિતાને મળ્યું નવજીવન
ગરીબી અને ભાષાકીય અવરોધ વચ્ચે ૨ વર્ષની બાળકીનું વજન ઘટીને થયું હતું માત્ર ૩.૫ કિલોગ્રામ
સલોની પટેલ
વલસાડ જિલ્લામાં બાળકો તંદુરસ્ત રહે તે માટે સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી થઇ રહી છે. રાજ્ય સરકારના પોષણ અભિયાન અને પોષણ સંગમ કાર્યક્રમ થકી જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારી નિલમ પટેલ દ્વારા જણાવાયું છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહ્યા છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના સુથારપાડાના રહેવાસી કિશનભાઈ લોખંડે અને લલિતાબેન લોખંડે છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર આર્થિક રીતે નબળો હોવાની સાથે માત્ર મરાઠી ભાષા જાણતો હતો. તેમની ૨.૫ વર્ષીય પુત્રી યોગિતા જન્મ સમયે તંદુરસ્ત હોવા છતાં જન્મના થોડા સમય બાદ વારંવાર બીમાર પડવા લાગી હતી. રોજગારની વ્યસ્તતા અને ભાષાકીય અવરોધના કારણે પરિવાર સમયસર યોગ્ય તબીબી સલાહ લઈ શક્યો ન હતો. જેને પરિણામે બાળકીના વજનમાં સતત ઘટાડો નોંધાયો હતો.
જ્યારે યોગિતા આશરે બે વર્ષની થઈ, ત્યારે તેનું વજન ઘટીને માત્ર ૩.૫ કિલોગ્રામ થઈ ગયું હતું. પ્રોટીનની તીવ્ર ઉણપ (Kwashiorkor) ને કારણે તેના પગે ગંભીર સોજા હતા અને પેટ ફૂલી ગયું હતું. સ્થાનિક આશા વર્કરના રિપોર્ટના આધારે RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ના મેડિકલ ઓફિસર ડો. કિંજલ પટેલ અને ડો. ડિમ્પલ પટેલની ટીમે સ્થળ પર જઈ તપાસ કરી. બાળકી SAM (Severe Acute Malnutrition - અતિ તીવ્ર કુપોષણ) ની અંતિમ સ્ટેજ પર હોવાથી તેને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલના NRC (બાળ સંજીવની કેન્દ્ર) ખાતે દાખલ કરવામાં આવી હતી.
વલસાડ સિવિલના બાળ સંજીવની વિભાગમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ધારાધોરણ મુજબ યોગિતાની ખાસ સારવાર શરૂ કરવામાં આવી. અહીં તેને પ્રારંભિક તબક્કે F-75 અને ત્યારબાદ F-100 જેવો ખાસ મેડિકેટેડ પોષણયુક્ત ખોરાક અને જરૂરી દવાઓ આપવાની ૧૪ દિવસની સઘન ટ્રીટમેન્ટ શરૂ થઈ. ૧૪ દિવસની સફળ સારવાર બાદ યોગિતા હસતી રમતી ઘરે પરત ફરી. આઇ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા નિયમિત 'બાળશક્તિ' (THR) પૂરક આહાર અને હેલ્થ ટીમના સતત ફોલો-અપથી આજે યોગિતાનું વજન વધીને ૯.૨ કિલોગ્રામ થઈ ગયું છે.
આ કિસ્સો ગુજરાત સરકારના 'પોષણ અભિયાન' અને 'પોષણ સંગમ' કાર્યક્રમની સફળતા દર્શાવે છે. અહીં આરોગ્ય વિભાગ (આશા વર્કર, ફિલ્ડ હેલ્થ વર્કર અને RBSK ટીમ) અને આઇ.સી.ડી.એસ. (ICDS) વિભાગ વચ્ચેના યોગ્ય સંકલનને કારણે જ અંતરિયાળ વિસ્તારના અને ભાષાકીય મુશ્કેલી ધરાવતા પરિવાર સુધી સમયસર મદદ પહોંચાડી શકાઈ અને બાળકીનો જીવ બચાવી શકાયો છે.
કુપોષણના ત્રણ મુખ્ય પ્રકારો અને તફાવત
કુપોષણ મુખ્ય માપદંડના આધારે ત્રણ પ્રકારો છે. ત્રણેયની પ્રકૃતિ પણ વિભિન્ન છે. સ્ટન્ટિંગ (Stunting) :ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ લાંબાગાળાની પ્રકૃતિ અને કુપોષણનું કારણ ગર્ભાવસ્થામાં માતાનું નબળું સ્વાસ્થ્ય, પોષક તત્વોનો લાંબો અભાવ હોય છે. વેસ્ટિંગ (Wasting): ઊંચાઈ પ્રમાણે ઓછું વજન, ટૂંકાગાળાનું/તીવ્ર (Acute) અને કારણો તીવ્ર અતિસાર (ઝાડા), ન્યુમોનિયા અથવા ખોરાકની અચાનક ભારે અછત જયારે અંડરવેઇટ (Underweight): ઉંમર પ્રમાણે ઓછું વજન, સંયુક્ત માપદંડ (Composite)ની પ્રકૃતિ, ખોરાકમાં કેલરી અને સામાન્ય પોષક તત્વોની ઉણપ જેવા તેના કારણો હોય છે.
વલસાડ જિલ્લાનો વાર્ષિક કુપોષણ ઘાત દર (એપ્રિલ-૨૫ થી માર્ચ-૨૬)
સંકલિત બાળ વિકાસ અિધકારી શ્રી નિલમ પટેલના જણાવ્યા અનુસાર સ્ટન્ટિંગ (Stunting) કુપોષિતમાં એપ્રિલ-૨૦૨૫માં વલસાડ જિલ્લામાં ૨૮૮૮૯ બાળકો હતા. જે ઘનિષ્ઠ તપાસ અને સારવારના કારણે ૧૭,૯૯૭ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. જયારે અંડરવેઇટ (Underweight) કુપોષણમાં ૧૬,૧૩૨ બાળકો હતા. જે પૈકી ૧૧૩૯૨ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે અને વેસ્ટિંગ (Wasting) કુપોષણમાં ૫,૫૬૩ બાળકો હતા. જે પૈકી ૩,૫૪૬ બાળકો કુપોષણ રહિત થયા છે. તેઓ જણાવે છે કે, વલસાડ જિલ્લાના બાળકો કુપોષણમાંથી મુકિત મેળવે તે માટે સતત અમારા પ્રયાસો રહેશે.
અતિ તીવ્ર કુપોષણ (વેસ્ટેડ માલન્યુટ્રિશન) શું છે?
જ્યારે બાળકની ઊંચાઈના પ્રમાણમાં તેનું વજન ખૂબ જ ઓછું થઈ જાય, ત્યારે તે સ્થિતિને 'વેસ્ટેડ માલન્યુટ્રિશન' (Wasting) કહેવાય છે સરકારી આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડીમાં ખુબ જ ઓછું વજન ધરાવતા બાળકને SAM (Severe Acute Malnutrition - અતિ તીવ્ર કુપોષિત) કે MAM (Moderate Acute Malnutrition - મધ્યમ તીવ્ર કુપોષિત) ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
આંગણવાડીમાં વેસ્ટેડ માલન્યુટ્રિશનની તપાસ કેવી રીતે થાય છે?
આંગણવાડી અને હેલ્થ વર્કર્સ બાળકના હાથના બાવળાનું માપ લેવા માટે એક ખાસ કલરવાળી પટ્ટી વાપરે છે, જેને MUAC Tape (Mid-Upper Arm Circumference Tape) કહેવાય છે.
આ પટ્ટીમાં ત્રણ રંગના ઝોન હોય છે જેનાથી બાળકની ગંભીરતા મપાય છે:
• લીલો રંગ (Green): બાળક સામાન્ય છે.
• પીળો રંગ (Yellow): બાળક મધ્યમ કુપોષિત (MAM - Moderate Acute Malnutrition) છે, તેને સારા ખોરાકની જરૂર છે.
• લાલ રંગ (Red): બાળક અતિ તીવ્ર કુપોષિત (SAM - Severe Acute Malnutrition) છે, તેને તાત્કાલિક હોસ્પિટલ અથવા બાળ શક્તિ કેન્દ્રમાં દાખલ કરવું પડે.





