Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

જીવદયાની સેવા મહેંકી: નારી ગામ નજીક પૂરના પાણીમાંથી ફસાયેલી 400 ગાયોને બચાવી લેવાઈ

ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અબોલ જીવોની વ્હારે આવ્યા: ગાયોને પાણીમાંથી બહાર કાઢવામાં મદદ કરી

ભાવનગરShare on WhatsApp
જીવદયાની સેવા મહેંકી: નારી ગામ નજીક પૂરના પાણીમાંથી ફસાયેલી 400 ગાયોને બચાવી લેવાઈ
Download image

ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નારી ગામ નજીક ચોમેર વરસાદી પાણી ફરી વળતા મોટી સંખ્યામાં અબોલ જીવો પૂરના પાણીમાં ફસાયા હતા. આ અંગેની આજે વહેલી સવારે જાણકારી મળતાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી ટીમ હેલ્પલાઇન વાહન સાથે બચાવ કાર્યમાં લાગી હતી. તેની સાથે 60 થી વધુ જીવદયા પ્રેમીઓ રેસ્કયું ઓપરેશનમાં જોડાયા હતા.

આ અંગે પ્રેરણા ફાઉન્ડેશન ટીમને હેલ્પલાઇન નંબર પર વહેલી સવારે- 4.30 કલાકે ફોન આવ્યો હતો કે, નારીગામ નજીક સુરભી ગૌશાળામાં પૂરના પાણી ફરી વળતા અંદાજે 400 જેટલી ગાયો ફસાઈ છે. આ કોલ મળતાં જીવદયા હોસ્પિટલ અગિયાળી ટીમ અને અન્ય જીવદયા પ્રેમીઓ અંદાજે 60 થી વધુ લોકો ગાયોના બચાવ માટે રેસ્કયું ઓપરેશનમાં જોડાયા હતા. પ્રેરણા ફાઉન્ડેશનની હેલ્પલાઈન વાન સાથે તબીબી ટીમ, રેસ્કયું ટીમ અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ મદદે દોડી આવ્યા હતા. સેવાભાવી લોકોએ 25 થી વધુ બિમાર, અશક્ત-વિકલાંગ અને અંધ ગાય સહિત કુલ અંદાજે 400 અબોલ જીવને બચાવી લઈ સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા. 

આ કામગીરીમાં ભાવનગર અને જિલ્લાના વિવિધ જીવદયા મંડળો પણ મદદે આવ્યા હતા. અને તમામ જીવોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ અબોલ જીવ બચાવ કામગીરીમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પણ મદદે દોડી આવ્યા હતા અને જીવદયાના કાર્યમાં મદદ કરી હતી.

પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગંભીર સ્થિતિની જાણ થતાં ભાવનગર પશ્ચિમના સેવાભાવી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી કાર્યકરો સાથે આબોલ જીવોની મદદે આવી પહોંચ્યા હતા અને ધારાસભ્યશ્રીએ એનિમલ હેલ્પલાઇન વાહનમાં બિમાર ગાયોને બેસાડી બહાર કાઢવામાં મદદ કરી હતી.
 
અબોલ જીવને બચાવવામાં એનિમલ હેલ્પલાઇન સહિત કુલ 12 જેટલા વાહનો કામે લગાડ્યા હતા.