અમદાવાદના સરસ મેળામાં ભાવનગરની સખી મંડળ બહેનોની હેન્ડમેડ કળાનો ડંકો
વલ્લભીપુરના “મમતા” અને “પ્રિયાંશી” સખી મંડળને મેળામાં રૂ. ૧.૭૦ લાખની આવક
આધુનિકતા અને મશીનરીના વધતા પ્રભાવ વચ્ચે પણ ભાવનગર જિલ્લાના ગામડાઓની મહિલાઓએ પોતાની હસ્તકલા, પરંપરાગત કૌશલ્ય અને સર્જનાત્મકતાના બળ પર અમદાવાદ જેવા મહાનગરોમાં આગવી ઓળખ ઉભી કરી છે.
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા. ૧ થી ૧૫ મે દરમિયાન યોજાયેલા સરસ મેળામાં ભાવનગર જિલ્લાના વિવિધ સખી મંડળોની બહેનોએ પોતાના હાથે તૈયાર કરેલા ઉત્પાદનો દ્વારા ગ્રામિણ મહિલાશક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મેળામાં વલ્લભીપુર તાલુકાના “મમતા સખી મંડળ”ને રૂ. ૧.૧૦ લાખની આવક થઈ હતી, જ્યારે “પ્રિયાંશી સખી મંડળ”ને રૂ. ૬૦ હજારની આવક પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત ઘોઘા, મહુવા, તળાજા, સિહોર, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાની “શિવ શક્તિ”, “નીલ માધવ”, “શિવાલી”, “રમાબાઈ”, “નિસર્ગ સખી મંડળ” અને “જય ચામુંડા” સહિતની સખી મંડળોની બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બહેનોએ પોતાના પરંપરાગત કૌશલ્યને આધુનિક રજૂઆત સાથે જોડીને ગ્રાહકોને આકર્ષ્યા હતા.
મેળામાં કઢાઈવાળા કપડાં, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, માટીના શણગાર સામાન, ગ્રામ્ય જીવન આધારિત કૃતિઓ, હેર ઓઇલ, ઓર્ગેનિક સાબુ-શેમ્પૂ, શુદ્ધ મસાલા, પાપડ, અથાણાં તેમજ વિવિધ પરંપરાગત નાસ્તાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. દરેક ઉત્પાદનમાં રહેલી ગુણવત્તા, શુદ્ધતા, સ્વાદ અને ‘હેન્ડમેડ’ સ્પર્શે શહેરના ગ્રાહકોને વિશેષ રીતે પ્રભાવિત કર્યા હતા.
ગ્રાહકો દ્વારા બહેનોના ઉત્પાદનોને મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદથી સખી મંડળોની બહેનોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો થયો છે. સરસ મેળા જેવા પ્લેટફોર્મ ગ્રામિણ મહિલાઓને પોતાના ઉત્પાદનો માટે વિશાળ બજાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે, જેના પરિણામે સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણને નવી દિશા મળી રહી છે.
આવા, પ્રયાસો માત્ર ગ્રામિણ હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા નથી, પરંતુ અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.



