સૂર્યની કિરણોથી ઝીરો લાઇટ બિલ – મહેન્દ્રભાઈ પટેલની સ્માર્ટ પસંદગી!”
અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી સુર્યઘર યોજના સામાન્ય નાગરિકોના જીવનમાં આર્થિક રાહત અને ઊર્જા આત્મનિર્ભરતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મોડાસા શહેરના રચના પાર્ક સોસાયટીમાં નિવાસી મહેન્દ્રભાઈ પટેલ આ યોજનાનો લાભ લઈને પોતાના ઘરનું વીજબીલ શૂન્ય કરવામાં સફળ રહ્યા છે, જે અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
મહેન્દ્રભાઈ પટેલે પોતાના નિવાસસ્થાને રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરી છે, જેના કારણે તેઓ હવે પોતાની જ જરૂરિયાત માટે વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે. અગાઉ દર મહિને આવતું ભારે વીજબીલ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, જેના કારણે તેમના પરિવારના માસિક ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મહેન્દ્રભાઈ જણાવે છે કે, "પ્રધાનમંત્રી સુર્યઘર યોજનાના માધ્યમથી મને સરકાર તરફથી સહાય મળી અને સોલાર પેનલ લગાવવાનું સરળ બન્યું. હવે હું પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો ઉપયોગ કરું છું અને મારું વીજબીલ પણ શૂન્ય થઈ ગયું છે.”
આ યોજના હેઠળ સામાન્ય નાગરિકોને સબસિડી સાથે સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની સુવિધા આપવામાં આવે છે, જેના કારણે વીજળીના ખર્ચમાં ઘટાડો થાય છે તેમજ સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળે છે. સરકાર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પણ પ્રધાનમંત્રી સુર્યઘર યોજનાનો લાભ લઈ પોતાનું ઘર ઊર્જા આત્મનિર્ભર બનાવે અને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે.

