Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

પ્રાકૃતિક ખેતી: સ્વસ્થ જમીન, સુરક્ષિત પર્યાવરણ અને સમૃદ્ધ ખેડૂત તરફનું સશક્ત પગલું

પાટણShare on WhatsApp

ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રને વધુ સજીવ, ટકાઉ અને પર્યાવરણમિત્ર બનાવવા માટે પ્રાકૃતિક ખેતી એક શક્તિશાળી વિકલ્પ તરીકે ઉભરી રહી છે. પરંપરાગત રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ઉપજાઉ ક્ષમતા ઘટતી, પાણી પ્રદૂષિત થતું અને માનવ આરોગ્ય પર નકારાત્મક અસર થતી હતી. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે ખેડૂત અને પર્યાવરણ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

પ્રાકૃતિક ખેતી એ એવી પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, કીટનાશક અને જીવાતનાશકોનો સંપૂર્ણપણે ત્યાગ કરીને કુદરતી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દેશી ગાયના ગોબર, મૂત્ર, જૈવિક અવશેષો અને જીવાણુઓના ઉપયોગથી જમીનને સજીવ બનાવવામાં આવે છે. આ પદ્ધતિ માત્ર પાક ઉગાડવાની રીત નથી, પરંતુ પ્રકૃતિ સાથે સંવાદ સાધતી એક જીવનશૈલી છે.

પ્રાકૃતિક ખેતીનો મુખ્ય હેતુ એ જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો કરવો, રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના ઉપયોગમાં ઘટાડો કરવો અને તેની સાથે ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવકમાં વધારો કરી પર્યાવરણ અને પાણીના સ્ત્રોતોને સુરક્ષિત રાખવાનો છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુક્ત અને પોષક ખાદ્ય પેદાશોનું ઉત્પાદન વધારવા માંગે છે.

પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબર, મૂત્ર, ગોળ, ચણાનો લોટ અને માટીથી બનેલું જીવામૃત જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધારવામાં મદદ કરે છે. જીવામૃતનું ઘન સ્વરૂપ, જે જમીનની ગુણવત્તા સુધારે છે અને પાકને પોષણ આપે છે જેને ઘનજીવામૃત કહે છે. બીજોને વાવણી પહેલાં પ્રાકૃતિક રીતે શુદ્ધ અને જીવાતમુક્ત કરવા માટે ઉપયોગમાં લેવાતું દ્રાવણ એટલે બિજામૃત. આમ પ્રાકૃતિક ખેતીની મહત્વપૂર્ણ પદ્ધતિઓ  જીવામૃત, ઘનજીવામૃત અને બિજામૃત છે.

ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે ગ્રામ્ય સ્તરે તાલીમ શિબિરો યોજાય છે. નિષ્ણાતો દ્વારા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે.ખેતર પર ડેમોન્સ્ટ્રેશન (પ્રદર્શન) દ્વારા સમજણ અપાય છે સાથે-સાથે સતત ટેકનિકલ સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે તાલીમ અને સાધનો માટે નાણાકીય મદદ સાથે કેટલાક કિસ્સામાં પ્રોત્સાહક રકમ આપવામાં  આવે છે. આ બધાથી ખેડૂતોનો પ્રારંભિક ખર્ચ ઓછો થાય છે અને તેઓ સરળતાથી આ પદ્ધતિ અપનાવી શકે છે.

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જમીનની લાંબા ગાળાની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે. બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોને વધુ ભાવ મળે છે તેમજ આ ખેતીથી જમીન, પાણી અને હવા પ્રદૂષણમાં ઘટાડો, જૈવિક વૈવિધ્યનું સંરક્ષણ, પાણીનો ઓછો વ્યય, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.

પ્રાકૃતિક ખેતી માત્ર એક ટેક્નિક નથી, પરંતુ “પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ” નો  દ્રષ્ટિકોણ છે. તેમાં ખેડૂત માત્ર ઉત્પાદક નહીં, પરંતુ પર્યાવરણના રક્ષક તરીકે પણ ઉભરી આવે છે.

ગુજરાતમાં વધતી જાગૃતિ અને સરકારના સક્રિય પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ઝડપી વધી રહ્યો છે. અનેક ખેડુતો સફળતાપૂર્વક આ પદ્ધતિ અપનાવી રહ્યા છે અને અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી ગુજરાતને કૃષિ ક્ષેત્રમાં આગેવાન બનાવશે અને “સ્વસ્થ ખેડૂત – સ્વસ્થ સમાજ” ના સપનાને સાકાર કરશે.