Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

પાટણમાં પ્રાકૃતિક ખેતીથી બટાકાનું સફળ ઉત્પાદન: ગોલાપુરના ખેડૂતનો પ્રેરણાદાયક પ્રયોગ

કેમિકલ વગરની પ્રાકૃતિક ખેતીથી જમીન સજીવ બને છે, પાક મબલખ મળે છે અને બજારમાં સારો ભાવ પણ મળે છે: ઉમેદસિંહ સોલંકી

પાટણShare on WhatsApp
પાટણમાં પ્રાકૃતિક ખેતીથી બટાકાનું સફળ ઉત્પાદન: ગોલાપુરના ખેડૂતનો પ્રેરણાદાયક પ્રયોગ
Download image

પાટણ જિલ્લાના ગોલાપુર ગામના ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી બટાકાના ઉત્પાદનનો સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. પહેલીવાર જ બટાકાની ખેતી હાથ ધરતાં તેમણે ગાય આધારિત છાણીયું ખાતરનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક વિના પાક તૈયાર કર્યો છે. આ પ્રયોગમાં તેમને પ્રતિ વિઘે અંદાજે ૧૦૦ કટ્ટા જેટલું ઉત્પાદન મળ્યું છે, જે માત્ર પ્રમાણમાં જ નહીં પરંતુ ગુણવત્તા અને કદમાં પણ બજારમાં મળતા બટાકા કરતાં ચડિયાતા સાબિત થયા છે.

આ પ્રાકૃતિક ખેતીથી ઉમેદસિંહ સોલંકીને આર્થિક રીતે પણ સારો લાભ મળ્યો છે. તેમને પ્રતિ વિઘે અંદાજે રૂ. ૭૦ હજાર જેટલી આવક થઈ છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજીની બજારમાં વધુ માંગ રહે છે અને સામાન્ય બટાકા કરતાં વધુ ભાવ મળે છે. જ્યાં સામાન્ય ભાવ રૂ. ૧૫ પ્રતિ કિલો હોય છે, ત્યાં તેમના પાકને રૂ. ૨૦ સુધીનો ભાવ મળ્યો છે. આથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક વિકલ્પ બની શકે છે.

ગામના સરપંચ દિલીપસિંહે પણ આ પ્રયોગને સફળ ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ખેતરમાં ૨૫ થી ૩૦ ટ્રોલી છાણીયું ખાતર નાખી બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કોઈ યુરિયા, DAP કે સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. પરિણામે એક વિઘામાં ૭૦ થી ૧૦૦ કટ્ટા જેટલું ઉત્પાદન મળ્યું છે, જે ખેડૂતો માટે પ્રોત્સાહક છે અને પ્રાકૃતિક ખેતીની અસરકારકતા દર્શાવે છે.

ઉમેદસિંહ સોલંકીએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે. સરકાર અને વડાપ્રધાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આ દિશામાં આગળ વધવું જરૂરી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરતા જળવાય રહે છે, પર્યાવરણ અને માનવ આરોગ્યનું રક્ષણ થાય છે અને ખેડૂત સુખી-સમૃદ્ધ બની શકે છે.