લખપતિ દીદી વંદના સમારોહઃ નવસારી જિલ્લો ---- નવસારી જિલ્લાની 36667 લખપતિ દીદીઓ પર સરકારની સહાયનો ધોધ વરસ્યો, એક વર્ષમાં રૂ. 78 કરોડની સહાય ચૂકવાઈ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સિવાય સરકારના અન્ય 10 વિભાગો દ્વારા મહિલાઓના કલ્યાણ અને સુખાકારી માટે વિવિધ યોજનાકીય લાભો અપાયા ---- મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે શાકભાજી, પશુપાલન, કૌશલ્યવર્ધન તાલીમ, ગૃહઉદ્યોગ અને નવા યુનિટ સ્થાપવા મશીનરી સહિતની સહાય કરવામાં આવી
સ્પેશિયલ સ્ટોરીઃ જિજ્ઞેશ સોલંકી
સખી મંડળની બહેનોની મહેનત અને સમર્પણને સન્માન આપવા માટે તા. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી વંદના સન્માન સમારોહ મહિલા સશક્તિકરણનું સમગ્ર દેશ માટે ઉત્તમ દ્રષ્ટાંત બની રહેશે. જિલ્લા ગ્રામ વિકાસ એન્જસી દ્વારા સખી મંડળની બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તો સહાય આપવામાં આવે જ છે પરંતુ આ સિવાય સરકારના અન્ય કુલ 10 ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે વર્ષ દરમિયાન કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જેનાથી આજે અનેક મહિલાઓ ખરા અર્થમાં લખપતિ દીદી બની ગર્વથી કહે છે કે, હું લખપતિ દીદી છું.
નવસારી જિલ્લામાં કુલ 41077 લખપતિ દીદીઓ છે. જેઓના કલ્યાણ અને સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સહાય કરવામાં આવે છે. સખી મંડળની બહેનો દ્વારા જે પ્રોડક્ટ ઉત્પાદન થાય તેના વેચાણ માટે માર્કેટ પણ સરકાર દ્વારા વખતોવખત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના દ્વારા આજિવીકા મેળવી મહિલાઓ ઉન્નત સર સાથે ખુમારીભરી જિંદગી જીવતા થઈ છે. મહિલાઓ સશક્તિકરણના ઉદેશ્યને લઈને ચાલી રહેલી રાજ્ય સરકારના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં કુલ 41077 મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. આ મહિલા આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના અન્ય વિભાગો પણ આગળ આવ્યા છે. નવસારી જિલ્લામાં 41077 લખપતિ દીદીમાંથી 36667 લખપતિ દીદીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સિવાય અન્ય એજન્સીઓ દ્વારા પણ વર્ષ દરમિયાન રૂ. 78 કરોડ 37 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આત્મા (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા નવસારી જિલ્લાની 418 લખપતિ દીદીને બિયારણ કીટ માટે રૂ. 3.63 લાખ, 151 દીદીને બાયફ દ્વારા વેલાવાળા શાકભાજીના મંડપ અને કીટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 129 લખપતિ દીદીને પાપડ બનાવટ મશીન, અથાણા બનાવટ કીટ, દરજીકામ, સિવણ મશીન, બ્યુટી પાર્લર, ભરત કામ, વિવિધ પ્રકારની ફેરી માટે સામાન અને દૂધ દહી બનાવટ માટે કુલ રૂ. 14.21 લાખના સાધનની સહાય કરવામાં આવી છે. રૂરલ સેલ્ફ એમ્પ્લોઈમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ દ્વારા 806 લખપતિ દીદીને કૌશલ્યવર્ધન તાલીમ, સાહિત્ય, કીટ અને સ્વરોજગારી શરૂ કરવા માટે એનજીઓ અને બેંક સાથે કન્વર્ઝન કરી રૂ. 65.29 લાખની લોન અપાવી પગભર થવા માટે મદદ કરી છે. ટ્રાઈબલ સબ પ્લાન વિભાગ દ્વારા 266 લખપતિ દીદીને દુધાળા પશુ ખરીદી માટે રૂ. 50.73 લાખની સહાય કરવામાં આવી છે. બાગાયત વિભાગ દ્વારા 940 લખપતિ દીદીને રૂ. 17.89 લાખના ખર્ચે ટુલ્સ, ઈકવીપમેન્ટ, શોર્ટીંગ/ગ્રેડીંગના સાધનો,મહિલા તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયરની સહાય કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા પીએમ કિશાન હેઠળ 8981 લખપતિ દીદીને 1630.4 લાખની સહાય કરવામાં આવી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 63 લખપતિ દીદીને વર્મીબેડની 42 હજારની સહાય અને પશુપાલન વિભાગ દ્વારા 753 લખપતિ દીદીને 38 લાખની સહાય પશુ ખાણ દાણ, ચાપ કટર અને રબર મેટ સહાય કરવામાં આવી છે.
નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન દ્વારા 5352 લખપતિ દીદીને રિવોલ્વિંગ ફંડ હેઠળ પ્રતિ સ્વ સહાય જૂઠ દીઠ રૂ. 30 હજાર આંતરિક ધિરાણ અર્થે કુલ રૂ. 173.25 લાખની સહાય, કોમ્યુનિટી ઈન્વેસ્ટ ફંડ હેઠળ પ્રતિ સ્વ સહાય જૂથ દીઠ રૂ. 1.50 લાખની લોન સહાય મળી કુલ 3204 લખપતિ દીદીને 650.09 લાખ અને કેશ ક્રેડીટ લોન હેઠળ ઓછામાં ઓછી એક લાખ અને લોન પર જૂથને 7 ટકા વ્યાજ સહાય મુજબ 16715 લખપતિ દીદીને 5193.66 લાખની સહાય આપવામાં આવી છે. આમ, સખી મંડળની બહેનોને આજીવિકાનો આધાર મળે તે માટે સરકારના એક નહી પણ અનેક વિભાગો દ્વારા સહાયનો ધોધ વરસાવવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર લખપતિ દીદી વંદના સમારોહ સખી મંડળની બહેનો માટે જીવનભર એક યાદગાર સંભારણુ બનીને રહી જશે.
-000-
