“વહાલી દિકરી” યોજના : દીકરીના જન્મથી જ સશક્તિકરણ તરફ રાજ્ય સરકારનો સંકલ્પ
લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂ.૧.૧૦ લાખની આર્થિક સહાય
ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા રોકવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. આ દિશામાં વર્ષ ૨૦૧૯થી અમલમાં મૂકાયેલી “વહાલી દિકરી” યોજના દીકરીઓના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ બની છે. સમાજમાં દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે, દીકરીઓને શિક્ષણમાં આગળ વધવાની તકો મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂ.૧.૧૦ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૬,૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂ.૧,૦૦,૦૦૦ આપવામાં આવે છે. જો કે આ સહાય મેળવવા માટે દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જરૂરી છે.
પાટણ જિલ્લામાં વધુમાં વધુ પાત્ર દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પાટણ જિલ્લામાં “વહાલી દિકરી” યોજના હેઠળ કુલ ૭,૩૭૬ મંજૂર થયેલ લાભાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે, જે દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધાર બની રહ્યો છે.
આ યોજનાના અસરકારક અમલીકરણ માટે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. દ્વારા અરજી ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત અરજદારો માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં https://emahilakalyan.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને સરળતાથી અરજી કરી શકાય છે.
૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખી મહિલા સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત બનાવવાના હેતુસર આ ઝુંબેશને વિશેષ ગતિ આપવામાં આવી રહી છે. દીકરીના જન્મથી જ તેના શિક્ષણ, સ્વાવલંબન અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી આ પહેલ સમાજમાં સ્ત્રી સમાનતા અને સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
આ યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પાટણ (સંપર્ક નં. ૦૨૭૬૬-૨૬૫૫૧૦) નો સંપર્ક કરી શકાય છે.
