ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના : મહિલાઓના આત્મનિર્ભર જીવન તરફ રાજ્ય સરકારનો સંવેદનશીલ પ્રયાસ
પાટણ જિલ્લામાં ૪૮,૫૮૬ વિધવા બહેનોને રાજ્ય સરકારનો આર્થિક આધાર
સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોને આર્થિક સુરક્ષા અને માનભર્યું જીવન મળી રહે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. પતિના અવસાન બાદ પરિવારની જવાબદારીઓ એકલ પંડે સંભાળતી વિધવા બહેનોને આર્થિક આધાર મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા “ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત પાત્ર વિધવા મહિલાઓને દર મહિને રૂ.૧૨૫૦ ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાય વિધવા બહેનોને દૈનિક જીવનના ખર્ચને પહોંચી વળવામાં સહાયક બનતી હોવા સાથે તેઓને આત્મનિર્ભર બનવા માટે પણ પ્રોત્સાહન આપે છે.
પાટણ જિલ્લામાં પણ આ યોજનાનો વ્યાપક લાભ મળી રહ્યો છે. હાલમાં પાટણ જિલ્લામાં ૪૮,૫૮૬ મંજુર થયેલ લાભાર્થી મહિલાઓ આ યોજના હેઠળ માસિક આર્થિક સહાય મેળવી રહી છે. રાજ્ય સરકારની આ સંવેદનશીલ પહેલના કારણે અનેક વિધવા બહેનોને આર્થિક સુરક્ષા મળતા તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના પરિવારનું સંચાલન કરી શકી રહી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચના અવસરે મહિલા સશક્તિકરણ અને સમાન અધિકારોના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે આવી યોજનાઓનું મહત્વ વિશેષ બની જાય છે. ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના માત્ર આર્થિક મદદ પૂરતી સીમિત નથી, પરંતુ મહિલાઓને સન્માનપૂર્ણ અને આત્મનિર્ભર જીવન જીવવા માટે રાજ્ય સરકારનો સંવેદનશીલ પ્રયાસ પણ છે.
આ રીતે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો સમાજમાં સમાનતા અને માનવતા ના મૂલ્યોને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
