Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેષ

ઐતિહાસિક ધરતીથી “વિજ્ઞાન નગરી” તરફનો પાટણનો ગૌરવમય પ્રવાસ

પાટણShare on WhatsApp
૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેષ
Download image

૨૮ ફેબ્રુઆરીનો દિવસ માત્ર વૈજ્ઞાનિક શોધખોળને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ જિજ્ઞાસા, શોધ અને નવીનતાની ભાવનાને પ્રગટ કરવાનો દિવસ છે. ઐતિહાસિક વારસાથી ઓળખાતું પાટણ આજે “વિજ્ઞાન નગરી” તરીકે નવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને આ પરિવર્તનનું પ્રતિક છે રીજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમરપુરા પાટણ.

૧ મે ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ), DST સચિવ શ્રી વિજય નેહરા, પાટણના તત્કાલીન કલેક્ટર શ્રી સુપ્રીત સિંહ ગુલાટી તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અદ્યતન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ થયું હતું.

10 એકરમાં ફેલાયેલ જ્ઞાનનું આધુનિક મંદિર

સરસ્વતી તાલુકાના ચોરમાર પૂરા ખાતે સ્થિત ૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર માત્ર એક ઇમારત નથી, પરંતુ જીવનપર્યંત શીખવાની પ્રેરણા આપતું જ્ઞાનધામ છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે અનુકૂળ ડિઝાઇન ધરાવતું આ કેન્દ્ર ‘ઇન્ક્લુઝિવ સાયન્સ’નું ઉત્તમ ઉદાહરણ છે.

ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં 14 દેશો, 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 14 લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવી ચૂક્યા છે. આ આંકડો પાટણને વિજ્ઞાનપ્રેમીઓનું આકર્ષણ કેન્દ્ર બનાવી રહ્યો છે.

થીમેટિક ગેલેરીઓ – જિજ્ઞાસાનો જીવંત અનુભવ

ડાયનોસોર ગેલેરી

અનિમેટ્રોનિક્સ ડાયનોસોર્સ અને જીવંત કદના પ્રદર્શન મુલાકાતીઓને કરોડો વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે. અહીં ડાયનોસોર્સના ઉદ્દવિકાસ અને લુપ્ત થવાના કારણો અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવે છે.

હ્યુમન સાયન્સ ગેલેરી

માનવ ઉદ્દવિકાસથી લઈને અંગપ્રણાલીઓ અને જેનેટિક્સ સુધી માનવ શરીરના રહસ્યોને સરળ અને ઇન્ટરએક્ટિવ રીતે સમજાવવામાં આવે છે.

નોબેલ પ્રાઈઝ ગેલેરી

રસાયણશાસ્ત્ર ક્ષેત્રના નોબેલ વિજેતાઓને સમર્પિત આ ગેલેરી ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે છે. મેરી ક્યુરીથી લઈને ડૉ. વેંકટરમન સુધીની વૈજ્ઞાનિક યાત્રા અહીં જીવંત બને છે.

હાઈડ્રોપોનિક્સ ગેલેરી

અદ્યતન ખેતી તકનીકનું જીવંત પ્રદર્શન. કાર્યરત હાઈડ્રોપોનિક્સ ફાર્મ દ્વારા ખેડૂતો અને વિદ્યાર્થીઓને નવી કૃષિ વિજ્ઞાનની સમજ મળે છે.

ઓપ્ટિક્સ ગેલેરી

પ્રકાશનું વિજ્ઞાન, તેની ક્રિયા-પ્રતિક્રિયા અને આધુનિક સાધનોનું પ્રદર્શન. વિદ્યાર્થીઓ માટે હેન્ડ્સ-ઓન એક્સ્પેરીયન્સ આ ગેલેરીને વિશેષ બનાવે છે.

ટેક્નોલોજી અને મનોરંજનનો સંગમ

5-ડી થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, મોશન સિમ્યુલેટર, સોલાર વોકવે, સનડાયલ, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ કોર્ટયાર્ડ જેવી સુવિધાઓ વિજ્ઞાનને રોમાંચક અને જીવંત બનાવે છે. અહીં વિજ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ અનુભૂતિમાં જીવતું જોવા મળે છે.

પાટણ – વિજ્ઞાન સાથે વિકાસની નવી દિશા

રાણી કી વાવ અને હેમચંદ્રાચાર્યની ઐતિહાસિક ધરતી હવે વિજ્ઞાન અને નવીનતાની દિશામાં મજબૂત પગલું ભરી રહી છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર પાટણને માત્ર શૈક્ષણિક કેન્દ્ર નહીં, પરંતુ પ્રેરણાનું પ્રતિક બનાવી રહ્યું છે.

૨૮ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, પાટણ આજે ગર્વથી કહી શકે છે “અહીં ઇતિહાસ પણ છે અને ભવિષ્યનું વિજ્ઞાન પણ.”

પાટણ હવે માત્ર ઐતિહાસિક નગરી નહીં,
પણ નવી પેઢીના સપનાઓને પાંખ આપતી
“વિજ્ઞાન નગરી” બની રહી છે.