અરવલ્લીના સોનીકંપામાં પ્રાકૃતિક ખેતીની સફળતા....બ્રિજેશ પટેલ અને તેમના પિતાના પ્રયાસોથી રાસાયણિક ખેતીને વિદાય આપી નફો અને આરોગ્ય બંને મેળવ્યા
ગુજરાત સરકારની પ્રાકૃતિક કૃષિ યોજનાનું જીવંત ઉદાહરણ. ..રાસાયણિક ખાતરોને ત્યજીને પ્રાકૃતિક કૃષિ અપનાવી બ્રિજેશ પટેલ મેળવી રહ્યા છે સારી આવક
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સોનીકંપા ગામના યુવા ખેડૂત બ્રિજેશ પટેલે પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખેતીના ક્ષેત્રમાં નવો આદર્શ સ્થાપ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને સંપૂર્ણપણે ત્યજીને તેઓ પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનું ઝેરમુક્ત ઉત્પાદન કરે છે.બ્રિજેશભાઈ પોતાના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિ અપનાવે છે, જેમાં જીવામૃત, દશપર્ણી અર્ક, બીજામૃત જેવા કુદરતી ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે. તેઓ ઋતુ અનુસાર ટામેટાં, ભીંડા, ડુંગળી, લસણ સહિત અનેક શાકભાજી તેમજ કેળા જેવા ફળો ઉગાડે છે. આ ઉત્પાદનોને સ્થાનિક બજારમાં સીધા વેચીને તેઓ સારી કમાણી કરે છે અને ખેતીનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે.
બ્રિજેશભાઈ જણાવે છે કે, “પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા પછી જમીનની ગુણવત્તા સુધરી છે, પાકની ઉત્પાદકતા વધી છે અને આરોગ્યલક્ષી ઉત્પાદનોને કારણે ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે. રાસાયણિક ખેતીમાં જે ખર્ચ થતો હતો તેની તુલનામાં અહીં ખર્ચ અડધાથી પણ ઓછો થાય છે અને નફો વધુ મળે છે.”આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ અત્યંત મહત્વની બની છે કારણ કે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ઝેરી અવશેષોને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી મોટી બીમારીઓમાંથી બચવા માટે ઝેરમુક્ત, પોષણયુક્ત ખોરાકની જરૂર છે. પ્રાકૃતિક કૃષિ જમીન, પાણી અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે, જે આજના સમયની મોટી માંગ છે.
ગુજરાત સરકારના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લામાં સતત માર્ગદર્શન, તાલીમ અને સહયોગ આપવામાં આવે છે. આ બોર્ડના પ્રયાસોથી ધનસુરા, મોડાસા, બાયડ જેવા તાલુકાઓમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે. બ્રિજેશ પટેલ જેવા યુવા ખેડૂતોની સફળતા ગુજરાત સરકારની પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજનાની સફળતાનું જીવંત પ્રમાણ છે.
બ્રિજેશભાઈની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે અને તે દર્શાવે છે કે પ્રાકૃતિક કૃષિ દ્વારા નફાકારક ખેતી સાથે સ્વસ્થ સમાજ અને પર્યાવરણનું નિર્માણ શક્ય છે. આવા યુવા ખેડૂતોના પ્રયાસોથી ગુજરાતની ખેતી હવે નવા યુગમાં પ્રવેશ કરી રહી છે.

