Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સખી મંડળથી સ્વાવલંબન સુધી: નયનાબેન શ્રીમાળીની પ્રેરક સફળતા ગાથા

સરકારી યોજનાઓ અને તાલીમના સહકારથી ગ્રામ્ય મહિલાનું આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલું

પાટણShare on WhatsApp
સખી મંડળથી સ્વાવલંબન સુધી: નયનાબેન શ્રીમાળીની પ્રેરક સફળતા ગાથા
Download image

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી ગામની નયનાબેન અશ્વિનભાઈ શ્રીમાળી આજે “સખી મંડળ” અને સરકારશ્રીની મહિલા સશક્તિકરણ યોજનાઓના સહકારથી સ્વાવલંબનની પ્રેરણાદાયી મિસાલ બની છે. ઘરગથ્થુ સ્તરે નાની બચતથી શરૂ થયેલી તેમની સફર આજે સફળ ગૃહઉદ્યોગ સુધી પહોંચી છે.

નયનાબેન છેલ્લા પાંચથી સાત વર્ષથી “જય શ્રી સધી માં સખી મંડળ” સાથે સંકળાયેલી છે. મંડળ સાથે જોડાયા બાદ તેમને નિયમિત બચત કરવાની ટેવ પડી અને સ્વરોજગાર તરફ આગળ વધવાની પ્રેરણા મળી. મંડળની આશરે 15 થી 20 બહેનો સાથે મળીને તેમણે સાબુ, ગુલાબજળ, પર્સ તથા વિવિધ કોસ્મેટિક ઉત્પાદનો બનાવવાનું કાર્ય શરૂ કર્યું. જિલ્લા સ્તરે આયોજિત તાલીમ કાર્યક્રમોના કારણે ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો થયો તેમજ બજાર સુધી પહોંચવાની નવી તકો ઉપલબ્ધ થઈ.

તાજેતરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સાત દિવસીય મેળામાં નયનાબેન અને તેમની ટીમે ભાગ લીધો હતો. મેળાના પ્રથમ દિવસે અંદાજે રૂ. 5,000નું વેચાણ નોંધાયું, જ્યારે બીજા દિવસે રાત્રે 10:30 વાગ્યા સુધીમાં રૂ. 9,000 જેટલું વેચાણ થયું. ગ્રાહકો તરફથી મળેલા સારા પ્રતિસાદે જૂથના સભ્યોમાં નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસનું સંચાર કર્યું છે.

નયનાબેન જણાવે છે કે શરૂઆતમાં તેઓ ઘરઆંગણે મર્યાદિત સંસાધનો સાથે કાર્ય કરતા હતા, પરંતુ સરકારશ્રીની યોજનાઓ, માર્ગદર્શન અને તાલીમના કારણે આજે તેઓ પાટણ શહેરમાં પોતાના ઉત્પાદનોનું સફળતાપૂર્વક વેચાણ કરી રહ્યા છે. તેઓ આ સફળતાનું શ્રેય સરકારની મહિલા સશક્તિકરણ નીતિઓ, તાલીમ કાર્યક્રમો તથા બજાર ઉપલબ્ધ કરાવતી પહેલોને આપે છે.

તેમણે સરકારશ્રી તેમજ સ્થાનિક નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવી સહાય અને પ્રોત્સાહનથી ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

નયનાબેન શ્રીમાળીની સફળતા ગાથા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સંકલ્પબળ અને સરકારના સહકારથી ગ્રામ્ય મહિલાઓ પણ સ્વાવલંબનનો માર્ગ અપનાવી સમાજ અને પરિવાર બંને માટે વિકાસનો નવો માઇલસ્ટોન સ્થાપિત કરી શકે છે.