Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

ઉનાળામાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન, પાક અને ખેડૂતને મળે છે દ્વિગુણ લાભ

પ્રાકૃતિક ખેતીથી જમીનની જીવાણુ પ્રવૃત્તિમાં વધારો થતા જમીન સજીવ અને ઉર્વર બને છે

પાટણShare on WhatsApp

રાજ્યમાં વધતી ગરમી અને જળ સંકટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉનાળાના સમયમાં ખેડૂતમિત્રો માટે અત્યંત લાભદાયક સાબિત થઈ રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઓછા ઉપયોગને કારણે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક રચનામાં સુધારો થાય છે, જેના કારણે ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ પાક વધુ સહનશીલ બને છે.

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તથા મલ્ચિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે, જે જમીનમાં ભેજ જાળવી રાખવામાં સહાયક બને છે. મલ્ચિંગના કારણે જમીનનું તાપમાન નિયંત્રિત રહે છે અને પાણીના બાષ્પીભવનમાં ઘટાડો થાય છે. પરિણામે સિંચાઈના પાણીની બચત થાય છે, જે ઉનાળાના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીથી જમીનની જીવાણુ પ્રવૃત્તિમાં વધારો થાય છે, જેના કારણે જમીન સજીવ અને ઉર્વર બને છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધવાથી પાણી ધારણ કરવાની ક્ષમતા સુધરે છે અને પાકને લાંબા સમય સુધી પોષક તત્વો ઉપલબ્ધ રહે છે.

ઉનાળામાં સામાન્ય રીતે જંતુ અને રોગચાળો વધતો હોય છે, પરંતુ પ્રાકૃતિક દવાઓ અને દેશી ઉપાયો દ્વારા પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતને વધુ નફો મળે છે.

ખેડૂતમિત્રોને ઉનાળાની સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી પર્યાવરણનું સંરક્ષણ, જમીનની સુવર્ણતા અને ખેતીની ટકાઉપણું જાળવી શકાય. પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદનનો વિકલ્પ નહીં પરંતુ પર્યાવરણમૈત્રી અને આર્થિક રીતે ફાયદાકારક ખેતી પદ્ધતિ તરીકે ઉભરી રહી છે.