“શિક્ષણમાં અગ્રેસર પાટણ”
પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ : સરકારશ્રીની યોજનાઓથી વિદ્યાર્થીઓને વ્યાપક લાભ
પાટણ જિલ્લો છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. સરકારશ્રીના દુરદર્શી નિર્ણય, વિવિધ યોજનાઓનો અસરકારક અમલ અને નવી શાળાઓના મંજુર થવાથી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.
પાટણ જિલ્લામાં હાલમાં સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓની કુલ સંખ્યા ૨૭૪ છે. આ શાળાઓમાં સરકારી શિક્ષકોની સંખ્યા ૨૬૬ છે જ્યારે અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં ૧૧૨૫ જેટલા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. આ શાળાઓમાં કુલ ૫૭,૨૭૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે જિલ્લાની વિશાળ શૈક્ષણિક પહોંચ દર્શાવે છે.
વિદ્યાર્થીઓને રોજગારલક્ષી અને ઉપયોગી શિક્ષણ મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા પાટણ જિલ્લામાં ૫૨ શાળાઓમાં કુલ ૧૦ પ્રકારના ૮૨ વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે. આ ટ્રેડ માટે ૮૨ જેટલા વોકેશનલ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા વધે છે.
કાયમી શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તે માટે સરકારશ્રી દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ૧૬૮ જ્ઞાનસહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પગલું શૈક્ષણિક ગુણવત્તા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.
અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષણની સુવિધા મજબૂત બને તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. તા. ૩૦-૩-૨૦૨૩ થી સરકારી માધ્યમિક શાળા પાડલા (તા. દાંતીસણા) અને કોલીવાડા (તા. સાંતલપુર) ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનો સરકારશ્રી દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે, જેમાં હાલ ૧૬૩૨ જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન પાટણ જિલ્લામાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જેમાં સરકારી માધ્યમિક શાળા નાયકા (તા. સમી), બોરુદા (તા. સાંતલપુર), કમાલપુર (તા. રાધનપુર) અને ઓઢવા (તા. સરસ્વતી)નો સમાવેશ થાય છે. આ શાળાઓ શરૂ થતાં ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પહોંચ વધુ મજબૂત બની છે.
શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનરૂપ યોજનાઓમાં પણ પાટણ જિલ્લો આગળ છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના જેવી સરકારશ્રી પ્રેરિત સ્કોલરશીપ યોજનામાં જિલ્લામાં ૧૩,૮૪૫ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૨,૧૭૪ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. આ વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ દરમિયાન અલગ-અલગ શાળાઓમાં પ્રવેશ સાથે રૂ. ૨૦,૦૦૦/-, રૂ. ૨૨,૦૦૦/- અને રૂ. ૨૫,૦૦૦/- જેટલી સ્કોલરશીપ આપવામાં આવી રહી છે.
વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ સફળતાપૂર્વક અમલમાં છે. પાટણ જિલ્લામાં નમો લક્ષ્મી યોજનામાં ૨૪,૫૪૫ વિદ્યાર્થીનીઓને તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ૬,૬૧૯ વિદ્યાર્થીઓને રૂ. ૨૦,૦૦૦/-, રૂ. ૨૫,૦૦૦/- અને રૂ. ૩૦,૦૦૦/- જેટલી શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે.
બોક્સ
CGMS, CET, NMMS સહિતની વિવિધ પરીક્ષાઓમાં પાટણ જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે
પાટણ જિલ્લામાં કુલ 274 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ કાર્યરત છે, જેમાંથી 71 સરકારી શાળાઓ છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે સતત નિરીક્ષણ, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દ્વારા વિદ્યાર્થીનીઓનો ડ્રોપઆઉટ ઘટે અને વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે ખાસ પ્રયત્નો થઈ રહ્યા છે. CGMS, CET, NMMS સહિતની વિવિધ પરીક્ષાઓમાં પાટણ જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે, જે ગૌરવની બાબત છે.”
જિલ્લા શિક્ષાધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી, પાટણ
આ તમામ પ્રયાસો પરથી સ્પષ્ટ થાય છે કે પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે માત્ર સંખ્યા જ નહીં પરંતુ ગુણવત્તા, સુવિધા અને સમાન તકના દૃષ્ટિકોણથી પણ મજબૂત પ્રગતિ થઈ રહી છે. સરકારશ્રીની શિક્ષણલક્ષી નીતિઓ અને યોજનાઓના પરિણામે જિલ્લો ભવિષ્યના સશક્ત, કુશળ અને શિક્ષિત નાગરિકો ઘડવાની દિશામાં સતત આગળ વધી રહ્યો છે.

