હાઈ એજ્યુકેટેડ પતિ-પત્નીનો પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ : ૩૨ વિઘામાં પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક વીસેક લાખની કમાણી
આવનારી પેઢીને ઝેરમુક્ત અનાજ આપવું છે: અરવિંદભાઈ પટેલ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામના અરવિંદભાઈ સુખાભાઈ પટેલ (B.Tech Civil) અને તેમની પત્ની નિલમબેન પટેલ (M.A., B.Ed., પીજી ડિપ્લોમા ઇન યોગ) એ શહેરની સુખસગવડ છોડીને પ્રાકૃતિક ખેતીને જીવનમાર્ગ બનાવ્યો છે. આજે તેઓ ૩૨ વિઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. દાડમ તેમનો મુખ્ય પાક છે, સાથે કેસર અને સોનપરી આંબા, સફેદ ચંદન, ચણા, અડદ, તુવેર, શાકભાજી અને ગાયો માટે ઘાસચારો ઉગાડે છે. છેલ્લા ૯ વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરતાં તેઓ માત્ર આર્થિક રીતે જ નહીં, ગુણવત્તાસભર અને પોષક ઉત્પાદન માટે પણ ઓળખાયા છે.
તેમના દાડમનું સંપૂર્ણ માર્કેટિંગ તેઓ પોતે જ સંભાળે છે – ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ તેમના પેકહાઉસમાં થાય છે અને ત્યારબાદ બાંગ્લાદેશ, દુબઈ તથા ભારતના વિવિધ શહેરોમાં નિકાસ થાય છે. સરકારી સહાયથી મળેલા પેકહાઉસ, ડ્રિપ ઇરીગેશન, સ્પ્રે મશીન, પાણીના ટાંકા અને રોપાઓના સહકારથી તેમની ખેતી વધુ સશક્ત બની છે. ચંદન અને આંબાના બગીચા આગામી વર્ષોમાં ઉત્પાદન આપશે, જે તેમની આવકમાં વધુ વધારો કરશે. આજે તેઓ પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક અંદાજે વીસેક લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
અરવિંદભાઈ પણ તેમના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને મજબૂત કરતાં કહે છે, “રાસાયણિક ખેતીનો માર્ગ સરળ લાગી શકે, પણ અમે સંકલ્પ કર્યો છે કે આવનારી પેઢીને ઝેરમુક્ત અનાજ આપવું છે. પ્રાકૃતિક ખેતી જ અમારા પરિવાર અને સમાજ માટેનો સાચો વિકાસનો રસ્તો છે.”
પતિની સાથે ખભે ખભો મિલાવી ખેતી કામમાં સહયોગ આપતાં નિલમબેને પોતાની આયુર્વેદિક હોસ્પિટલની નોકરી છોડી અને સંપૂર્ણ સમય ખેતીને સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં તેઓ જીવામૃત, ગૌમૂત્ર અને દેશી ખાતર બનાવી દાડમ તથા અન્ય પાકમાં ઉપયોગ કરે છે. નિલમબેન દૃઢ શબ્દોમાં કહે છે, “અમે પ્રાકૃતિક ખેતીને માત્ર વ્યવસાય તરીકે નહીં, પરંતુ જીવનમૂલ્ય તરીકે અપનાવી છે. ગાય આધારિત ખેતીથી જમીન, પર્યાવરણ અને લોકોનું આરોગ્ય — ત્રણેયનું રક્ષણ થાય છે.”
દરરોજ સવારે બંને પતિ-પત્ની ખેતરમાં સાથે કામ કરે છે અને બપોરે ઘરકામ સંભાળે છે. ખેડૂત પરિવારથી મળેલા સંસ્કાર અને સતત જ્ઞાનપ્રાપ્તિની લાગણીથી તેમણે ખેતીને વ્યવસાય નહીં, પરંતુ સંકલ્પ બનાવ્યો છે. તેમની સફળતા એ સાબિત કરે છે કે શિક્ષણ અને સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે અને ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવી શકે છે.

