જેસરનાં મોરચુપણાં ગામના ખેડૂતશ્રી સોમભાઇ મોભ પ્રાકૃતિક કૃષિ મોડેલ બનાવી અન્યો ખેડૂતો માટે બન્યાં પ્રેરણારૂપ
પાંચ સ્તરીય મિશ્રપાક પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ દ્વારા વૈવિધ્યસભર શાકભાજી ઉત્પાદન કરાયું
જેસર તાલુકાના મોરચુપણાં ગામના ખેડૂત શ્રી સોમભાઈ મોભે માત્ર ૨ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી મિક્સ શાકભાજી મોડેલ ફાર્મ વિકસાવ્યો છે. રસાયણમુક્ત ખેતી પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી તેઓ સારી આવક મેળવી રહ્યા છે. તેમનો આ પ્રયાસ આજના સમયમાં કુદરત સાથે સુમેળમાં ખેતી કેવી રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
શ્રી સોમભાઈ મોભ દ્વારા પ્રાકૃતિક ખેતીનાં વિવિધ આયામો અને ખાસ કરીને પાંચ સ્તરીય શાકભાજી પાકોના મિશ્રપાક મોડેલ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓ રીંગણ, મરચા, ગુવાર, ભીંડો, કોબી, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા, કાકડી, મૂળા, ગાજર, ટમેટા તેમજ મકાઈ સહિત કુલ ૧૫ પ્રકારની શાકભાજીનું સંયુક્ત વાવેતર કરી રહ્યા છે. આ પદ્ધતિથી જમીનની ઉપજશક્તિ જળવાઈ રહે છે તેમજ વર્ષભર સતત આવક મળે છે.
શ્રી સોમભાઈ મોભ દ્વારા ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક જેવી કુદરતી દ્રાવણોનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે. જેના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટ્યો છે. માટીની આરોગ્યતા સુધરી છે અને પાકોની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. સાથે જ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત શાકભાજી ઉપજતાં ગ્રાહકોમાં પણ પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ વધતી જોવા મળે છે.
આ મોડેલ ફાર્મની મુલાકાત લેવા આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, મિશ્રપાક આયોજન, ઓછા ખર્ચે ખેતી, માર્કેટિંગ તથા મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રયાસથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને અનેક ખેડૂતો આ પદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે.




