Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ડૉ.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના: ભાવનગરના યુવાનની સપનાથી સફળતા સુધીની સફર

રાજ્ય સરકારની મદદથી ભાવનગરનો યુવાન કેનેડાની યુનિવર્સિટી ઓફ વિન્ડસર ખાતે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે

ભાવનગરShare on WhatsApp
ડૉ.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના: ભાવનગરના યુવાનની સપનાથી સફળતા સુધીની સફર
Download image

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલી ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના આજે અનેક પ્રતિભાશાળી અનુસૂચિત જાતિના યુવાઓ માટે આશાનું કિરણ બની છે. આ યોજના થકી આર્થિક મર્યાદાઓને પાર કરી વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી રહી છે. આનું જીવંત ઉદાહરણ છે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના યુવાન શ્રી કુલદીપ હરેશભાઈ મારૂ.

શ્રી કુલદીપ મારૂએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માંથી B.E. (Civil)માં 75 ટકા સાથે સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ દરમિયાન જ તેમણે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ પરિવારની મર્યાદિત આર્થિક સ્થિતિને કારણે વિદેશ અભ્યાસ માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરવી તેમના માટે અઘરી બની હતી.

આ સંઘર્ષના સમયમાં આ યુવાનને રાજ્ય સરકારની ડૉ.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અંગે માહિતી પ્રાપ્ત થતાં તેણે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ભાવનગરનો સંપર્ક કરી યોજનાની વિગતવાર જાણકારી મેળવી. આ યોજનામાં વિદેશ અભ્યાસ માટે માત્ર 4 ટકા વ્યાજદરે રૂ. 15 લાખ સુધીની લોન સહાય ઉપલબ્ધ હોવાનું જાણવા મળતાં તેમના સપનાને નવી દિશા મળી. 

શ્રી કુલદીપ મારૂએ ત્યાર બાદ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી. તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેમની અરજી મંજૂર થઈ અને આજે આ યુવાન કેનેડા સ્થિત યુનિવર્સિટી ઓફ વિન્ડસર ખાતે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે.

આ યોજના દ્વારા માત્ર એક યુવાનના શિક્ષણનું સ્વપ્ન સાકાર થયું નથી, પરંતુ તેમના પરિવારની સામાજિક તથા આર્થિક સ્થિતિમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઉચ્ચ શિક્ષણ સાથે વૈશ્વિક અનુભવ પ્રાપ્ત થવાથી તેઓ ભવિષ્યમાં સમાજ અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

ડૉ.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના એ રાજ્ય સરકારની સામાજિક સમાનતા, શિક્ષણ અને સશક્તીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું દૃષ્ટાંત છે. આ યોજના અનુસૂચિત જાતિના યુવાઓને માત્ર નાણાકીય સહાય પૂરું પાડતી નથી, પરંતુ આત્મવિશ્વાસ, આશા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની શક્તિ પણ આપે છે.

આ યોજનાના લાભાર્થી શ્રી કુલદીપ હરેશભાઈ મારૂએ રાજ્ય સરકાર, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને અન્ય યુવાનોને પણ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા છે.