આધુનિક સુવિધાઓ વચ્ચે મેદસ્વિતા બનતી ગંભીર આરોગ્ય સમસ્યા
આધુનિક સમયમાં ટેકનોલોજી અને સુવિધાઓએ માનવીનું જીવન અત્યંત સરળ બનાવી દીધું છે. આજે ઘરમાં બેઠા ભોજન મંગાવી શકાય છે. લિફ્ટ અને વાહનોને કારણે ચાલવાનું ઘટી ગયું છે અને મોબાઈલ ટેલિવિઝનથી મનોરંજન તરત ઉપલબ્ધ છે. જીવન સરળ બનતાં જ આપણું શરીર ધીમે ધીમે મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. આ બદલાતી જીવનશૈલીના પરિણામે મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે.
પહેલાંના સમયમાં દૈનિક જીવનમાં કુદરતી રીતે શારીરિક પરિશ્રમ થતો હતો. ઘરકામ, ચાલવું, સાઇકલ ચલાવવી અને જમીન પર બેસવાની આદતો શરીરને સક્રિય રાખતી હતી. આજના સમયમાં એ જ કામ મશીનો કરી આપે છે. લાંબા સમય સુધી બેસી રહેવું, લિફ્ટનો ઉપયોગ અને વાહન આધારિત જીવનશૈલી શરીરની ચળવળ ઘટાડે છે, જેના કારણે ચરબી સંગ્રહ થવા લાગે છે. સુવિધાઓ સાથે ખોરાકની ઉપલબ્ધતા પણ વધી છે. મીઠા પીણાં અને તળેલા નાસ્તા સરળતાથી મળી જાય છે. સમયના અભાવના બહાને સંતુલિત ઘરેલું ભોજનની જગ્યાએ આવા ખોરાક અપનાવવામાં આવે છે, જે શરીરને જરૂર કરતાં વધુ કેલરી આપે છે.
ટેકનોલોજી આધારિત જીવનશૈલી તણાવ પણ વધારતી જાય છે. સતત સ્ક્રીનનો ઉપયોગ, કામનો દબાણ અને અપૂરતી ઊંઘ હોર્મોનલ અસંતુલન સર્જે છે, જેના કારણે ભૂખ વધે છે અને વજન નિયંત્રણ મુશ્કેલ બને છે. ઘણા લોકો તણાવ ઘટાડવા માટે ખોરાકનો આશરો લે છે, જે મેદસ્વિતાને વધુ વધારતું જાય છે. મેદસ્વિતા માત્ર દેખાવની સમસ્યા નથી, પરંતુ અનેક ગંભીર રોગોનું મૂળ કારણ છે. ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, સાંધાના દુખાવો અને શ્વાસની તકલીફો જેવી સમસ્યાઓ મેદસ્વિતાના કારણે ઊભી થાય છે, જે વ્યક્તિના જીવનની ગુણવત્તા ઘટાડે છે.
આ પરિસ્થિતિમાં ઉકેલ પણ આપણી જીવનશૈલીમાં જ છુપાયેલો છે. સુવિધાઓનો ઉપયોગ જરૂર મુજબ કરવો, પરંતુ શારીરિક ચળવળને જીવનનો ભાગ બનાવવો જરૂરી છે. રોજ ચાલવું, સીડીઓનો ઉપયોગ કરવો, સંતુલિત અને ઘરેલું ખોરાક લેવો, પૂરતું પાણી પીવું અને નિયમિત ઊંઘ રાખવી એ સરળ પરંતુ અસરકારક પગલાં છે. મેદસ્વિતા સામેની લડાઈ કોઈ એક દિવસની નથી, પરંતુ દૈનિક આદતોમાં સુધારાથી શક્ય છે. જ્યારે આપણે જીવનને થોડું સક્રિય બનાવીએ છીએ, ત્યારે શરીર ફરી સ્વસ્થ થવા લાગે છે.
