હારીજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ અપનાવી પ્રાકૃતિક ખેતી: વાર્ષિક ૭ લાખ રૂપિયાની આવક મેળવી
રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અન્ય ખેડૂતોને કર્યું આહવાન
આધુનિક યુગમાં વધુ ઉપજ અને ઝડપી નફાની લાલચે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો અતિશય ઉપયોગ થતો રહ્યો છે. પરિણામે જમીનની ઉર્વરાશક્તિમાં ઘટાડો, ખેતી ખર્ચમાં વધારો તેમજ માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી છે. આવી સ્થિતિમાં પાટણ જિલ્લાના અનેક ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સકારાત્મક નિર્ણય લીધો છે, જે લાંબા ગાળે લાભદાયી સાબિત થઈ રહ્યો છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાબખા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક આશરે ૭ લાખ રૂપિયાની આવક મેળવી છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.
આ અંગે ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ જણાવે છે કે, તેઓ છેલ્લા ૭ વર્ષથી રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ ચણા, ઘઉં, અડદ, તુવેર તેમજ વિવિધ શાકભાજીની ખેતી કરે છે. સાથે સાથે બાગાયત ક્ષેત્રે આંબા, જામફળ, ખારેક અને લીંબુ જેવા પાકોની પણ સફળ ખેતી કરે છે. સરકાર તરફથી દેશી ગાયના નિભાવ માટે મળતી સહાય પ્રાકૃતિક ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા જીવામૃત, ઘનજીવામૃત અને દેશી બીજોના ઉપયોગથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જમીનની ઉર્વરાશક્તિમાં વધારો થવાથી પાક વધુ સ્વસ્થ અને ગુણવત્તાવાળો બન્યો છે, જેના કારણે યોગ્ય ભાવ મળતાં આવકમાં વધારો થયો છે.
હાલના સમયમાં રાસાયણિક ખેતીથી લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળે છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી નિરોગી જીવન સાથે ટકાઉ અને લાભદાયી ખેતી શક્ય બને છે.
અંતમાં ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ રાસાયણિક ખેતી કરતા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂત આત્મનિર્ભર બની શકે છે તેમજ પર્યાવરણ અને આવનારી પેઢી માટે સ્વસ્થ ધરતીનું નિર્માણ શક્ય બને છે.

