પાટણ જિલ્લામાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી આર્થિક ઉન્નતિની કેડી કંડારી
પાટણના ખેડૂતે જમીન અને માણસના સ્વાસ્થ્ય માટે અપનાવી પ્રાકૃતિક ખેતી
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળી રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં અગાઉ જે લોકો રાસાયણિક ખેતી કરતા હતા તેવા હજારો ખેડૂતોએ આજે ગાય આધારિત અને ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક ઉન્નતિની કેડી કંડારી છે. ત્યારે આવા જ પાટણના એક ખેડૂત જયેશભાઇ દેસાઈ કે જેઓએ રસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
આ અંગે ખેડૂત જયેશભાઈ અમરતભાઈ દેસાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી એ જમીન અને માણસના સ્વાસ્થ્ય માટે એક જ સારો વિકલ્પ છે. હું પાંચ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં અઢી વીઘા જમીનમાં ઘઉં અને બાજરીનું તેમજ અઢી વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરું છું. આ પાંચ વિઘા જમીનમાં અનાજ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવાથી વાર્ષિક બે લાખની આવક થઈ હતી.
વધુમાં જયેશભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ઘઉંની કિંમત મણનો ભાવ ૧૦૦૦થી ૧૨૦૦ મળે છે. જ્યારે રાસાયણિક ખાતરથી ઉત્પાદન કરેલ ઘઉંની કિંમત ૬૦૦ થી ૬૫૦નો મળે છે. આમ પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ આર્થિક સારો ફાયદો થાય છે. જેથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી ગાય નિભાવ ખર્ચ એ સારી યોજના હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના ભાગરુપે ખેડૂતો સુધી તે ખેતી વિષયક જાણકારી પહોંચાડવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે.

