Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ટેકનોલોજી અને સેવાનો અનોખો સંગમ

ઓ.પી.ડી., આઈ.પી.ડી., લેબટેસ્ટમાં તેમજ આરોગ્યક્ષેત્રે નવતર પહેલમાં પણ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન

ભાવનગરShare on WhatsApp
ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ટેકનોલોજી અને સેવાનો અનોખો સંગમ
Download image

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) આજે સરકારી આરોગ્ય સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એક 'રોલ મોડેલ' બનીને ઉભર્યું છે. 'દર્દી સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્રને વરેલા આ કેન્દ્રે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને પાછળ છોડીને સૌથી વધુ ઓ.પી.ડી. (બહારના દર્દીઓ) ૨૯,000 કરતા વધુ, સૌથી વધુ આઈ.પી.ડી. (દાખલ દર્દીઓ) ૪૭૦૦ કરતા વધુ અને સૌથી વધુ લેબટેસ્ટ અંદાજીત ૩૭,૦૦૦ જેટલા લેબ ટેસ્ટ કરવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ડો. રાકેશ ખીમાણી અને  ડો. ધવલકુમાર  દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડની ટીમ “દર્દી દેવો ભવ:” ની ભાવનાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આથી વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  માત્ર સારવાર જ નહીં, પરંતુ આધુનિક ડિજિટલ સુવિધાઓમાં પણ અગ્રેસર છે. 

નવતર પહેલના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ડિજિટલ ફીડબેક સિસ્ટમનું અમલીકરણ થતાં પેપરલેસ અભિગમ અપનાવી દર્દીઓ, સ્ટાફ અને આશા બહેનો માટે ડિજિટલ સંતોષ સર્વે શરૂ કરાયો છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ થી વધુ લોકોએ ડિજિટલ માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા છે. પારદર્શક વહીવટ અંતર્ગત  આવશ્યક દવાઓની  યાદી (EDL), ડિજિટલ લાયબ્રેરી, ડિજિટલ વિઝિટ બુક અને ફરિયાદ નિવારણ પ્રણાલી સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં કાર્યરત છે.

સરકારી માર્ગદર્શિકા મુજબ થતા લેબટેસ્ટના રિપોર્ટ દર્દીઓને A4 સાઈઝના પેપર પર પ્રોપર ફોર્મેટમાં આપવામાં આવે છે જે ખાનગી લેબોરેટરી જેવી ગુણવત્તાનો અહેસાસ કરાવે છે.

પર્યાવરણ પ્રેમી ‘ગ્રીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજબ આરોગ્ય કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાળવણી માટે લેવાયેલા પગલાં અનન્ય છે. હોસ્પિટલની અંદરના ભાગમાં અને વોશરૂમ્સમાં પણ ખાસ ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવીને ઓક્સિજન યુક્ત શુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

સૌર ઊર્જા અને જળ સંચય અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણપણે સોલર પેનલથી સજ્જ છે. સાથે જ ભૂગર્ભ જળના સ્તર વધારવા માટે વોટર હાર્વેસ્ટિંગની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.

વેઈટિંગ એરિયામાં દર્દીઓ માટે ડીજીટલ માહિતી અને આરોગ્ય શિક્ષણની સુવિધા માટે સ્ક્રીન લગાવવામાં આવી છે. જેનાથી સારવારની રાહ જોતા દર્દીઓ આરોગ્યલક્ષી જાગૃતિ મેળવી શકે. આ તમામ નવીન પ્રયોગોને કારણે વાળુકડ પી.એચ.સી. એ દર્દીઓના સંતોષના સ્તરમાં ધરખમ વધારો કર્યો છે.

આમ, વાળુકડ પી.એચ.સી. એ સાબિત કર્યું છે કે જો દ્રઢ સંકલ્પ અને આધુનિક અભિગમ હોય તો સરકારી સંસ્થા પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.