Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સમીના લાભુદાદા બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત

ગૌશાળા અને પોતાની મળી કુલ ૧૦૩ વિઘામાં રાસાયણિક ખાતર દવા વિના ખેતી

પાટણShare on WhatsApp
સમીના લાભુદાદા બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત
Download image

પાટણ તાલુકાના સમી ખાતે ગૌ શાળા ચલાવતા લાભશંકર ગિરિજા શંકર રાજગોર (લાભુદાદા) પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવાના ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. કન્યા શાળામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ વર્ષ ૨૦૦૯માં નિવૃત્ત થયેલા લાભુદાદા ૧૯૯૫થી પ્રાકૃતિક ખેતીને જીવનમંત્ર બનાવીને કાર્યરત છે.

તેમની ગૌ શાળામાં આજે નાના મોટા મળી કુલ ૫૨ ગૌ વંશ છે, જેના આધારે તેઓ પોતાની ૭૫ વિઘા જમીન અને ગૌ શાળાની ૨૮ વિઘા, એમ કુલ ૧૦૩ વિઘામાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતી કરે છે.

લાભુદાદાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને હાલ આત્મા કચેરી સાથે સંકળાઈ ખેડૂતોને તાલીમ આપે છે. આત્મા વિભાગના સહયોગથી તેમની ગૌ સેવા મંડળ સમી ગૌ શાળામાં BRCS કેન્દ્ર સ્થાપાયું છે, જ્યાં ૩ હજાર લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ કાર્યરત છે. અહીંથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત માત્ર ₹૧૦ પ્રતિ લીટરના દરે ખેડૂતોને આપવામાં આવે છે.

રાજ્ય સરકારની પાંજરાપોળ સહાય તથા ગૌ માતા પોષણ યોજના અંતર્ગત પશુ દીઠ રોજના ₹૩૦ લેખે ૫૨ પશુઓની સહાય મળતાં લાભુદાદાને વાર્ષિક સાડા પાંચ લાખ રૂપિયાથી વધુ આવક થાય છે.

આ ઉપરાંત ગૌ આધારિત ધૂપ, અગરબત્તી, સાબુ, શેમ્પૂ, ગો-નાઇલ, દંતમંજન, બોડી સ્પ્રે અને નસ્ય જેવા ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને તેઓ પાટણ ઉપરાંત મેહસાણા અને અમદાવાદ સુધી વેચાણ કરે છે.

ગૌ વંશ, પંચગવ્ય અને આત્મનિર્ભરતા આધારિત પ્રાકૃતિક ખેતીને જીવંત રાખવાનો સંકલ્પ લઈને કાર્યરત લાભુદાદા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે.