સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ પાટણ જિલ્લામાં ૮૧૪ કેન્દ્રો પર અમલમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના
દૈનિક ૧,૦૫,૦૦૦ બાળકો પૌષ્ટિક અલ્પાહારનો લાભ લઈ રહ્યા છે: જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હેમાંગીની ગુર્જર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ખરેખર સરાહનીય” – આચાર્ય યજ્ઞેશ બારોટ
મુખ્યમંત્રી પોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ શાળાઓમાં બાળકોને મિક્સ કઠોળ, ચણા ચાટ, સુખડી જેવા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તા આપવામાં આવી રહ્યા છે. પાટણ શહેરની બગવાડા પ્રાથમિક શાળામાં આ યોજનાનું સુચારૂ અને સફળ અમલીકરણ થઈ રહ્યું છે.
બગવાડા પ્રાથમિક શાળા પાટણમાં બાળકોને અઠવાડિયામાં દરરોજ અલગ–અલગ પ્રકારના પૌષ્ટિક નાસ્તા આપવામાં આવે છે. નાસ્તો બાળકોને આપવામાં આવે તે પહેલાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા નાસ્તાની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી કરવામાં આવે છે, ત્યારબાદ જ બાળકોને નાસ્તો આપવામાં આવે છે.
શાળાના ધોરણ સાતના વિદ્યાર્થી અંશ અને દિવ્યાંગે જણાવ્યું હતું કે,
“આ નાસ્તો બહુ હેલ્થી અને ટેસ્ટી છે. નાસ્તો કર્યા પછી ભણવામાં અને રમતગમતમાં વધુ ધ્યાન રહે છે. રોજ અલગ અલગ નાસ્તો મળવાથી શાળામાં આવવાની મજા આવે છે.”
શાળાના આચાર્ય શ્રી યજ્ઞેશ કુમાર બારોટે જણાવ્યું કે,
“અલ્પાહાર યોજના હેઠળ બાળકોને મિક્સ કઠોળ, ચણા ચાટ અને સુખડી જેવા પૌષ્ટિક નાસ્તા આપવામાં આવે છે. બાળકો ખૂબ ખુશ રહે છે અને ભણવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સરકારની આ યોજના ખરેખર વખાણવા જેવી છે.”
જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી હેમાંગીની ગુર્જરે જણાવ્યું હતું કે,
“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પાટણ જિલ્લામાં તા. ૩ ડિસેમ્બર ૨૦૨૪થી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં બાળ વાટિકા તથા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને શાળા સમય દરમિયાન પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. હાલમાં જિલ્લામાં ૮૧૪ મધ્યાહન ભોજન કેન્દ્રો પર આ યોજના અમલમાં છે અને દરરોજ અંદાજે ૧,૦૫,૦૦૦ બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.”
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ અને અભ્યાસમાં સુધારો લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે, જે રાજ્ય સરકારની બાળકો પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

