કિસાન સૂર્યોદય યોજના: ગુજરાતના ખેડૂતો માટે વિકાસનો નવો સૂર્યોદય
ભાવનગર જિલ્લામાં ૬૫૧ ગામોના કુલ ૧,૮૭,૮૮૯ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો સીધો લાભ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને દ્રષ્ટિપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સિંચાઈ માટે રાત્રિના બદલે દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે. અગાઉ રાત્રે વીજળી મળવાના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને જોખમોનો સામનો કરવો પડતો હતો, જે હવે આ યોજનાથી દૂર થઈ રહ્યા છે.
કિસાન સૂર્યોદય યોજનાના પરિણામે ખેતી કામગીરી વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને ઉત્પાદક બની છે. દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થતાં ખેડૂતો હવે સરળતાથી સિંચાઈ, ખેતી સાધનોનો ઉપયોગ અને અન્ય ખેતી સંબંધિત કામગીરી કરી શકે છે.
કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેડૂતોને વીજળી આપવામાં આવે છે
કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2020માં જાહેરાત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ખેડૂતોને સવારના 5.00 વાગ્યાથી રાતના 9.00 વાગ્યા સુધીમાં બે સ્લોટમાં (સવારે 5.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીનો સ્લોટ અને બપોરે 1.00 થી રાત્રે 9.00 વાગ્યા સુધીનો સ્લોટ) વીજળી પૂરી પાડવાનો હતો. સૌર ઊર્જાને આ રીતે સંકલિત કરવાથી, વધુ માંગના સમયગાળા દરમિયાન ગ્રીડ પરનો ભાર ઓછો થાય છે, જેનાથી કૃષિ માટે વધુ ટકાઉ અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થાય છે.
ભાવનગર જિલ્લામાં આ યોજનાનો વ્યાપક અમલ થયો છે. ભાવનગર જિલ્લામાં ૬૫૧ ગામોના કુલ ૧,૮૭,૮૮૯ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો સીધો લાભ મળ્યો છે. આ બદલાવના કારણે ખેડૂતોના દૈનિક જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યોમાં ખેડૂતોને દિવસ દરમિયાન 3-ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવો, સિંચાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી અને પાક ઉત્પાદન વધારવું સામેલ છે. સામાન્ય રીતે ખેડૂતોને સવારે 5 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે ખેતીના કામમાં સમયનું યોગ્ય આયોજન શક્ય બન્યું છે.
આ અંગે ભાવનગરના ખેડૂતશ્રી ધ્રુવરાજ સિંહ સરવૈયા એ જણાવ્યું કે, તેઓ પી.જી.વી.સી.એલ. તળાજા અંતર્ગત વીજ જોડાણ ધરાવે છે જેમાં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખૂબ જ લાભ થયા છે જેમ કે રાત્રિના સમયે પાણી વાળવું પડતું તેનાથી છુટકારો મળ્યો છે અને દિવસ દરમ્યાન ઇલેક્ટ્રિસિટી મળે છે.
કિસાન સૂર્યોદય યોજનાના કારણે ખેડૂતોને અનેક લાભો મળ્યા છે. દિવસ દરમિયાન સિંચાઈ કરવાની સગવડ મળવાથી રાત્રે કામ કરતી વખતે થતો એરૂ આભડવા અને જંગલી ભૂંડ દ્વારા થતાં અકસ્માતના જોખમ ઘટ્યા છે. સાથે જ, મોટર પંપ અને અન્ય વીજ ઉપકરણો વધુ કાર્યક્ષમ રીતે ચલાવી શકાય છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થતો જોવા મળે છે.
આમ, કિસાન સૂર્યોદય યોજના ગુજરાતના કૃષિ ક્ષેત્રને નવી દિશા આપી રહી છે. આ યોજના માત્ર વીજ પુરવઠાની વ્યવસ્થા સુધી સીમિત નથી, પરંતુ તે ખેડૂતોના જીવનમાં સુરક્ષા, સુવિધા અને સમૃદ્ધિ લાવવાનો એક અસરકારક પ્રયાસ છે. ભવિષ્યમાં આ યોજનાથી રાજ્યના કૃષિ વિકાસને વધુ વેગ મળશે અને ખેડૂતો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધશે.

