સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
પાટણ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં આવ્યો ઉજાસ
પાટણ જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનું અમલીકરણ તારીખ ૯ જાન્યુઆરી ૨૦૨૧થી કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી અને પિયત માટે દિવસ દરમિયાન વીજળી પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના જીવનમાં સુખાકારી અને સુરક્ષા બંને વધ્યા છે.
પાટણ જિલ્લાના તમામ ગામોમાં આ યોજનાનો સફળ અમલ થઈ રહ્યો છે અને જિલ્લામાં કુલ ૨૪,૨૪૮ ખેતી વીજ જોડાણો આ યોજના હેઠળ આપવામાં આવ્યા છે. દિવસે વીજળી મળતા ખેડૂતો હવે નિશ્ચિંત રીતે ખેતી કામગીરી કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના યુવા અને પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ અમરતભાઈ દેસાઈએ પણ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લીધો છે. તેઓ દિવસ દરમિયાન વીજળી મેળવી ખેતી કરે છે અને આ યોજનાથી અત્યંત સંતોષ વ્યક્ત કરે છે.
આ અંગે પોતાના અનુભવો વ્યક્ત કરતાં જયેશભાઈ દેસાઈ જણાવે છે કે,
“પહેલાં રાતના સમયે વીજળી મળતી હોવાથી અમારે રાતે ઉજાગરા કરવા પડતા હતા. રાત્રીના સમયે ખેતરમાં જવું જોખમી પણ હતું અને આરોગ્ય પર પણ અસર પડતી હતી.”
તેઓ વધુમાં કહે છે કે,
“હવે દિવસે વીજળી ઉપલબ્ધ થવાથી ખેતીનું કામ સરળ બન્યું છે. દિવસે ખેતી સાથે અન્ય ઘરગથ્થુ અને સામાજિક કામો પણ કરી શકીએ છીએ. રાતના ઉજાગરા બંધ થયા છે અને જીવન વધુ વ્યવસ્થિત બન્યું છે.”
દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો મળતા પાકની સંભાળ, પિયત વ્યવસ્થા અને ખેતીની ઉત્પાદકતા વધવા સાથે ખેડૂતોનો આત્મવિશ્વાસ પણ મજબૂત થયો છે.
અંતમાં જયેશભાઈ દેસાઈ સહિત જિલ્લાના અનેક ખેડૂતોએ કિસાન સૂર્યોદય યોજના માટે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આ યોજના ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

