સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
આત્મનિર્ભર નારી અને નારી સશક્તિકરણનું સશક્ત ઉદાહરણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની ચૌધરી અનિતાબેન પરબતભાઈ આજે આત્મનિર્ભર નારી અને નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. છેલ્લા ૨ વર્ષથી ડ્રોન દીદી તરીકે કાર્યરત અનિતાબેન ખેતી ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્વરોજગાર સાથે અન્ય ખેડૂતોને પણ લાભ પહોંચાડી રહ્યા છે. અર્બુદા સખી મંડળ દ્વારા તેમને ડ્રોન આપવામાં આવ્યો છે, જેના આધારે તેઓ ખેતી સેવાઓ સફળતાપૂર્વક આપી રહ્યા છે.
અનિતાબેન ડ્રોન દ્વારા ખેતી પાકોમાં છંટકાવ (સ્પ્રે) કરવાની સેવા આપે છે. તેઓ જણાવે છે કે એક દિવસમાં અંદાજે ૨૦ થી ૨૫ એકર વિસ્તારમાં છંટકાવ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોનો સમય, મહેનત અને ખર્ચ બન્ને બચે છે અને પાકની ગુણવત્તા પણ સુધરે છે.
તેમની મહેનત અને કુશળતાનો પરિણામરૂપે,
વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૧૦૦ એકર વિસ્તારમાં ડ્રોન છંટકાવ કરીને રૂ. ૭,૨૬,૪૪૦/- ની આવક પ્રાપ્ત કરી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી ૯૦૦ એકર વિસ્તારમાં કામગીરી કરીને રૂ. ૪,૫૦,૦૦૦/- ની આવક હાંસલ કરી છે.
પરંપરાગત રીતે પુરુષપ્રધાન માનવામાં આવતા ખેતી અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અનિતાબેનનું આ યોગદાન સમાજમાં મહિલાઓ માટે નવી દિશા બતાવે છે. તેઓ જણાવે છે કે સરકારશ્રી તથા સહકારી સંસ્થાઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને સહાયથી તેમને આત્મવિશ્વાસ મળ્યો અને આજે તેઓ સ્વાવલંબન સાથે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શક્યા છે.
“ડ્રોન દીદી” તરીકે ઓળખ મેળવેલ અનિતાબેન ચૌધરી આજે ગ્રામ્ય વિસ્તારની અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેમની સફળતા સાબિત કરે છે કે યોગ્ય તક, સાધન અને હિંમત હોય તો ગ્રામ્ય મહિલાઓ પણ ટેક્નોલોજીના સહારે આત્મનિર્ભર બની શકે છે અને નારી સશક્તિકરણને સાચા અર્થમાં સાકાર કરી શકે છે.

