Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

‘સંસ્કૃતિ’ સ્વ-સહાય જૂથ: મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

શંખારી ગામમાં મહિલા ઉદ્યોગસાહસિકતાનું સકારાત્મક મોડેલ: ‘સંસ્કૃતિ’

પાટણShare on WhatsApp
‘સંસ્કૃતિ’ સ્વ-સહાય જૂથ: મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
Download image

પાટણ જિલ્લાના શંખારી ગામમાં કાર્યરત ‘સંસ્કૃતિ’ સ્વ-સહાય જૂથ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની ઊભરી આવ્યું છે. વર્ષ ૨૦૧૬થી દવે નિશાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ જૂથની છ સશક્ત બહેનો આજે પરંપરાગત ખાદ્ય પદાર્થોને આધુનિક વ્યવસાયમાં રૂપાંતરિત કરી આત્મનિર્ભરતાની નવી દિશા સર્જી રહી છે.

આ સ્વ-સહાય જૂથ દ્વારા રાગી, બાજરી, જુવાર, મગ, મઠ, મકાઈ તેમજ વિવિધ મિલેટ્સ અને પ્રોટીનયુક્ત અનાજમાંથી પોષક ખાખરા અને બિસ્કિટ જેવા આરોગ્યપ્રદ ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ગુણવત્તા અને સ્વાદના સંયોજનથી તૈયાર થતા આ ઉત્પાદનોને બજારમાં વિશાળ પ્રતિસાદ મળ્યો છે.
છેલ્લા બે વર્ષથી ‘સંસ્કૃતિ’ સ્વ-સહાય જૂથ દર મહિને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું વેચાણ કરી રહ્યું છે, જે મહિલાઓની સતત મહેનત, શિસ્તબદ્ધ આયોજન અને ઉત્પાદનની ગુણવત્તાનું પ્રતિબિંબ છે.

જૂથને ગુજરાત લાઈવલિહૂડ પ્રોમોશન કંપની (GLPC) દ્વારા સખી મંડળો મારફતે નોંધપાત્ર સહયોગ મળ્યો છે. GLPC દ્વારા વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ વિવિધ મેળાઓમાં ભાગ લેવાની તક આપવામાં આવે છે તેમજ માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને કન્વર્ઝન જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારશ્રીની મોટી ઇવેન્ટ્સ, જેમ કે G20 જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કાર્યક્રમોમાં પણ ‘સંસ્કૃતિ’ જૂથના પ્રોડક્ટ્સ નાસ્તા રૂપે અપનાવવામાં આવ્યા છે, જે જૂથ માટે ગૌરવની વાત છે.

આ અવસરે દવે નિશાએ GLPC તથા ‘સશક્ત નારી મેળા’ જેવા કાર્યક્રમો દ્વારા મહિલાઓને મળતા પ્રોત્સાહન બદલ સરકારશ્રી પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. શંખારી ગામની આ બહેનો આજે સાબિત કરી રહી છે કે યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો ગ્રામ્ય મહિલાઓ પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે.