‘સશક્ત નારી મેળો: મહિલા આર્થિક સશક્તિકરણ તરફ સશક્ત પગલું
મધમાખી પાલનથી માર્કેટ સુધી: "સશક્ત નારી મેળા" એ પાટણની તન્વી પટેલને આપી નવી ઓળખ
ગુજરાત સરકાર દ્વારા પાટણ ખાતે આયોજિત ‘સશક્ત નારી મેળા' કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્ટોલ ફાળવવાની સરાહનીય પહેલ અમારા જેવા મહિલા ઉદ્યોગકારો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ રહી છે, એમ પાટણની રહેવાસી તન્વી પટેલે જણાવ્યું હતું.
તન્વી પટેલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, “સશક્ત નારી કાર્યક્રમના માધ્યમથી અમને અમારા ઉત્પાદનોને યોગ્ય બજાર મળે છે, જેના કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્લેટફોર્મ થકી સીધો ગ્રાહક સંપર્ક મળતા અમારા વ્યવસાયને નવી દિશા અને ગતિ મળી છે.”
તન્વી પટેલ છેલ્લા છ વર્ષથી મધમાખી પાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. હાલ તેમના દ્વારા અંદાજે ૨૫ ટન જેટલું મધ ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સશક્ત નારી કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવતા સ્ટોલોના માધ્યમથી તેઓ મધ અને મધ આધારિત ઉત્પાદનોનું માર્કેટિંગ તથા વેચાણ કરે છે. જેના પરિણામે આજે તેમનું સેલિંગ અને માર્કેટ બંને મજબૂત સ્તરે પહોંચ્યા છે.
આ અંગે તન્વી પટેલે વધુમાં જણાવ્યું કે, “મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના વ્યવસાયને આગળ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી અમને બહુ મોટો ફાયદો થયો છે. મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કરવામાં આવેલા આ પ્રયાસ બદલ હું ગુજરાત સરકારનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.”
સશક્ત નારી કાર્યક્રમ આજે રાજ્યની મહિલાઓ માટે આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને સફળતાનું મજબૂત મંચ બની રહ્યો છે, જ્યાંથી અનેક મહિલા ઉદ્યોગકારો પોતાના સપનાઓને સાકાર કરી રહી છે.

