સશકત નારી મેળો: આત્મનિર્ભરતાનો ઉજાસ
કાપડમાંથી થેલા, બેગ, પર્સ અને અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બનેલ બાલીસણાની વૈશાલીબેન પટેલની સફળ કથા
પાટણ શહેરમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા સશકત નારી મેળામાં આત્મનિર્ભર મહિલાઓની પ્રતિભા અને પરિશ્રમને ઉજાગર કરતું એક અનોખું દૃશ્ય જોવા મળી રહ્યું છે. ગામ બાલીસણા, તાલુકો પાટણની રહેવાસી વૈશાલીબેન પટેલ આ મેળામાં પોતાનો પ્રદર્શન અને વેચાણ સ્ટોલ લઈને ઉપસ્થિત છે અને પોતાની કળા દ્વારા સૌનું ધ્યાન ખેંચી રહી છે.
વૈશાલીબેન પટેલ છેલ્લા ઘણા સમયથી જૂના કાપડમાંથી થેલા, બેગ, પર્સ અને અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બન્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપતી તેમની આ કળા આજે તેમને ઓળખ અપાવી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” પહેલ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સશકત નારી મેળાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ મેળો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની અનોખી ઓળખ બની રહ્યો છે.
આ અંગે વૈશાલીબેન પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નારી મેળામાં સદભાગ્યે મારો પણ એક સ્ટોલ સમાવિષ્ટ છે.
સરકારશ્રી દ્વારા ઘરેથી કામ કરતી નાની-મોટી તમામ મહિલાઓ માટે સુચિત અને ઉપયોગી આયોજન કરવામાં આવ્યું છે, તે ખરેખર સરાહનીય છે. સ્ટોલ ફાળવણીના કારણે અમને ઘણો લાભ થયો છે. આ પ્લેટફોર્મના માધ્યમથી અમે અમારી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરી શકીએ છીએ, રોજગારી મેળવી શકીએ છીએ તેમજ અમારી વસ્તુઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી શકીએ છીએ. “હું ઘરેથી જૂના કપડાંમાંથી થેલા અને બેગ બનાવવાનું કામ કરું છું. આજે સરકારના સહયોગથી મને મારા ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાની તક મળી છે. આ મેળામાં સ્ટોલ મૂકીને વેચાણ કરવાની તક મળતા મારી ખુશીનો પાર નથી. રાજ્ય સરકાર અને આયોજકોનો હું દિલથી આભાર માનું છું.”
સશકત નારી મેળામાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે અને મહિલાઓ દ્વારા બનાવાયેલા સ્વદેશી ઉત્પાદનોને પસંદ કરી રહ્યા છે. વૈશાલીબેન પટેલ જેવી મહિલાઓ આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની રહી છે અને “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને સાકાર કરી રહી છે.

