“પ્રકૃતિના સાથે રૂમલાના પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ પટેલની દશકભરની સફળ સફર”
{કમોસમી વરસાદ જેવી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્તમ અને ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં સફળ રહ્યા } - શ્રી બીપીનભાઈ ઉકાભાઈ પટેલ ( ખેડૂત ) *
નવસારી જિલ્લાના રૂમલા ગામના પ્રગતિશીલ અને દુરંદેશી ખેડૂત શ્રી બીપીનભાઈ ઉકાભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી તમામ પ્રકારના રાસાયણિક ખાતર, દવાઓ જેવી પદ્ધતિઓને પાછળ મૂકી ને માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છે. જમીનની સાચી તંદુરસ્તી, પાકની ગુણવત્તા, અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આ ત્રણ મુખ્ય મુદ્દાઓએ તેમને આ માર્ગે આગળ વધવા પ્રેરણા આપી પરિણામે આજે બીપીનભાઈ પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે.
આ વર્ષ નવસારી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ઘણા ખેડૂતોના ડાંગર પાકને ભારે નુકસાન કર્યા. પરંતુ બીપીનભાઈ પટેલનાખેતી પાકમાં ખાસ અસર થઈ નથી. તેમના જણાવ્યા અનુસાર પ્રાકૃતિક ખેતીમાં જમીન જાડી, નરમ અને ભેજ સંગ્રહવાની ક્ષમતા ધરાવે છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધુ હોવાથી તે વધારાનું પાણી સહન કરી શકે છે અને ધીરે-ધીરે છોડ સુધી પહોંચાડે છે. રાસાયણિક ખાતરવાળી જમીન ઝડપથી બગડે છે, પરંતુ પ્રાકૃતિક ખેતરની જમીન પાણી, ગરમી અને આબોહવાની અસરોનો પ્રતિકાર વધુ સારી રીતે કરી શકે છે.
બીપીનભાઈ જણાવે છે કે ‘પ્રાકૃતિક પદ્ધતિથી પાકના મુળિયા મજબૂત બને છે છોડની પ્રતિકાર શક્તિ સ્વાભાવિક રીતે વધે છે,જેથી ભારે વરસાદ પરિસ્થિતિમાં પાક ઝડપથી બરબાદ થતો નથી.આ કારણોસર આ વર્ષે કમોસમી વરસાદ હોવા છતાં તેમના ખેતરમાં ગુણવત્તાયુક્ત પાક મેળવ્યો છે .
બીપીનભાઈ તેમના રૂમલા ગામમાં આવેલ ૩૦ વીઘા ખેતરમાં આખા વર્ષ દરમિયાન શેરડી ,ચોખા, કેરી, હળદર, મગ,નાગલી અને મગદળ જેવા અનેક પાક પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરી રહ્યા છે.
દસ વર્ષ પહેલા જ્યારે બીપીનભાઈએ પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે વિશ્વાસ ન હતો. ઉત્પાદન કેટલું થશે ? બજારમાં સારી કિંમત મળશે? કીડા-રોગોથી પાક કેવી રીતે બચાવશો? પરંતુ નવસારી કૃષિ યુનીવર્સીટી , નવસારી બાગાયત વિભાગ તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા સતત માર્ગદર્શન મળતા પ્રકૃતિના નિયમોને સમજતા બીપીનભાઈએ ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અમલમાં મૂકી.
તેમણે ગાયના દૂધ, મૂત્ર અને ખાતરના આધારે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ અપનાવી. જમીનની શક્તિ વધારવા મલ્ચિંગ, મિશ્ર વાવેતર, અંતર વાવેતર અને ડ્રીપ સિસ્ટમ જેવા પગલાં લીધા. આ બદલાવના કારણે જમીન વધુ નરમ અને જીવંત બની, જેમાં સૂક્ષ્મજીવો પાકને સજીવન રાખે છે.
પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ શહેરોમાં વધવા લાગી છે અને બીપીનભાઈ પોતાના મારુતિનંદન ફાર્મ–ટુ–હોમ મોડલ દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક પેદાશનું વેચાણ કરી આવક મેળવે છે . પરિણામે તેમને બજારમાં ઉત્તમ કિંમત મળે છે અને મધ્યસ્થીઓનો ખર્ચ બચી જાય છે.
બીપીનભાઈ પટેલ આજે રૂમલા ગામ જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીના એક મોડેલ ફાર્મર તરીકે જાણીતા છે. અનેક ખેડૂત તેમના ખેતરમાં આવી પદ્ધતિઓ શીખવા આવે છે. તેઓ સૌને એક જ સંદેશ આપે છે: “જમીનને માતા સમાન માનો રસાયણ ન આપો તો તમને દૂધ જેવી પેદાશ આપશે.”
રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂતની સફળતા દરેક ખેડૂતને પ્રેરિત કરે છે કે પ્રકૃતિ સાથે ચાલીએ તો ખેતી માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવનમૂલ્ય બને છે બીપીનભાઈ પટેલની દશકભરની આ યાત્રા એ દર્શાવે છે કે પ્રકૃતિ સાથે જોડાઈને ખેતી કરવાથી ઉત્પાદન પણ વધે, જમીન પણ જીવે અને ખેડૂતોની આવક પણ સ્થિર બને. કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો સામે લડવા માટે પણ પ્રાકૃતિક ખેતી એક અસરકારક માર્ગ છે.
૦૦૦૦



