Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

તણાવ અને માનસિક સ્વાસ્થ્યનો મેદસ્વીતા સાથેનો સંબંધ

ભાવનગરShare on WhatsApp
તણાવ અને માનસિક સ્વાસ્થ્યનો મેદસ્વીતા સાથેનો સંબંધ
Download image

આજના ઝડપી જીવનમાં તણાવ દરેકના જીવનનો ભાગ બની ગયો છે. કામકાજનો દબાણ, અભ્યાસમાં સ્પર્ધા, આર્થિક સમસ્યાઓ, પરિવારની જવાબદારીઓ અને અસ્થિર જીવનશૈલીના કારણે માનસિક આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. આ માનસિક તણાવનો સીધો પ્રભાવ શરીર પર પણ જોવા મળે છે. તેમાંનું એક મોટું પરિણામ છે મેદસ્વીતા (Obesity). મેદસ્વીતા માત્ર ખાવાપીવાના કારણે નથી થતી, પણ તણાવ, ચિંતા અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનો પણ તેમાં મહત્વપૂર્ણ ફાળો હોય છે.

તણાવ શરીર પર કેવી અસર કરે છે? 

જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાં હોય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ  નામનો હોર્મોન વધે છે. આ હોર્મોન ભૂખ વધારે છે. જેથી મીઠાઈ, તેલિયું અને જંક ફૂડ ખાવાની ઈચ્છા વધે છે અને પેટના આસપાસ વધુ ચરબી જમા થવા લાગે છે. આથી લાંબા સમય સુધી તણાવ રહે તો શરીરનું વજન ઝડપથી વધે છે. તણાવગ્રસ્ત લોકો ઘણી વખત ઈમોશનલ ઈટિંગ  કરે છે. એટલે કે, ખરેખર ભૂખ ન હોવા છતાં વારંવાર કંઈક ખાય છે. મીઠી અને વધારે કેલરીવાળી ચીજો પસંદ કરે છે અને છેવટે ખાવાનું નિયંત્રણ ગુમાવી દે છે. આ વર્તન તેમને ધીમે ધીમે મેદસ્વીતા તરફ દોરી જાય છે. તણાવના કારણે ઊંઘની સમસ્યા વધે છે. ઊંઘની કમીને કારણે શરીરનું હોર્મોનલ સંતુલન બગડે છે. ભૂખ વધારતા હોર્મોન વધી જાય છે અને ભૂખ ઘટાડતા હોર્મોન ઘટી જાય છે. પરિણામે વ્યક્તિ વધારે ખાય છે જેથી વજન વધે છે. 

ઉપાય - તણાવ ઘટાડો વજન આપોઆપ ઘટી જશે... 

નિયમિત કસરત,વોકિંગ, યોગ, પ્રાણાયામ તણાવ ઘટાડે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. પૂરતું પાણી પીવો, જંક ફૂડ ટાળો, કુદરતી અને સંતુલિત આહાર અપનાવો. મેડિટેશન કરવાથી મન શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે. સમયનું આયોજન કરો કામ અને આરામમાં સંતુલન રાખો. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો. માનસિક સહાય લો, જરૂર પડે તો કાઉન્સેલિંગ લો અને તણાવને એકલા ઝીલવાને બદલે વહેંચો.

મેદસ્વીતા સામે લડવા માટે માત્ર ખાવા-પીવા પર ધ્યાન આપવું પૂરતું નથી, પરંતુ તણાવનું નિયંત્રણ અને માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન પણ એટલું જ મહત્વનું છે. સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ, ધ્યાન અને તણાવ મુક્ત જીવનશૈલી અપનાવીને જ મેદસ્વીતાને રોકી શકાય છે.