વાઘાવાડી કા રાજા ગણેશ પંડાલ ઓપરેશન સિંદૂરની શૌર્યગાથાને સમર્પિત
વિઘ્નહર્તા દૂંદાળા દેવ શ્રી ગણપતિ બાપ્પાની ભક્તિ સાથે ભારતીય સૈન્યની શક્તિને વંદન
જમ્મુ કાશ્મીર સ્થિત પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા બર્બરતા પૂર્ણ હુમલાનો જવાબ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે “ઓપરેશન સિંદૂર” થકી આપ્યો હતો. આ વર્ષે શ્રી ગણેશજીની વંદના-આરાધનામાં વિવિધ થીમ અંતર્ગત શ્રી ગણેશ પંડાલો બનાવવામાં આવ્યા છે.
ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ વાઘાવાડી કા રાજા “ઓપરેશન સિંદુર અને ભારતીય સૈન્યની શક્તિ” ની થીમ અંતર્ગત શ્રી ગણપતિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સૈન્યની ત્રણેય પાંખોના જવાનોએ દુશ્મન દેશમાં ઘરમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓનો નાશ કરવાનું પરાક્રમ કર્યું હતું. ભારત ડિફેન્સ સિસ્ટમમાં આધુનિકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારત પાસે સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે. વાઘાવાડી કા રાજા ગણેશ પંડાલ ખાતે ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ એટલે બ્રહ્મોસ મિસાઇલ, ભારતીય વિમાન, તેમજ દુશ્મન દેશના ડ્રોનના હુમલાઓનો જડબાતોડ જવાબ આપીને ભારતીય સૈન્યએ પોતાની અદ્યતન સૈન્ય શક્તિ અને સંરક્ષણ શક્તિનો પરચો દુનિયાને આપ્યો હતો તેનો આબેહૂબ પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓપરેશન સિંદૂરને સમર્થન આપતા સહી કરવાનું કેમ્પેઇનનું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગરવાસીઓએ પોતાનું સમર્થન આપ્યું છે. વધુમાં કાર્યકરોએ ખાસ પ્રકારની ઓપરેશન સિંદૂરને સમર્થન આપતી “ ટ્રિબ્યુટ ટુ ઓપરેશન સિંદુર” લખેલી ખાસ ટોપી તૈયાર કરીને પહેરી છે જે લોકોમાં ખૂબ આકર્ષણ નું કેન્દ્ર બની છે.



