બી.ઇ.મિકેનિકલની ડીગ્રી ધરાવતા સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલે નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી
મારે ઝેર ખાવું નથી ને લોકોને ઝેર ખવરાવવું નથી:- ખેડૂત શૈલેષભાઈ પટેલ
સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ નારણભાઈ પટેલ છેલ્લા છ વર્ષથી દસ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા આવ્યા છે. આધુનિક રાસાયણિક ખેતીથી દૂર રહી તેમણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને આરોગ્યપ્રદ અનાજ-ફળો પેદા કરવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમનો સંકલ્પ છે કે મારે ઝેર ખાવું નથી ને લોકોને ઝેર ખવરાવવું નથી.
શૈલેષભાઈ પોતાના ખેતરમાં મુખ્યત્વે બાજરી, ઘઉં, મગ, તલ, અડદ ,જેવા અનાજ અને કઠોળ પાક સાથે દાડમનું વાવેતર પણ કરે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા આ ઉત્પાદનોની બજારમાં વિશેષ માંગ હોવાથી તેમને સારો ભાવ મળે છે. તેઓ ચાર ગીર ગાય અને ત્રણ કાંકરેજી ગાય મળી કુલ સાત દેશી ગૌ વંશ દ્વારા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જીવામૃત, ઘન જીવામૃત જાતે બનાવી ખેતરમાં છંટકાવ કરે છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી પકવેલ અનાજના ભાવ સારા મળે છે, તેમજ દૂધના ભાવ પણ વધુ મળે છે. આમ વર્ષે આશરે છ - સાત લાખ રૂપિયા જેટલી આવક થાય છે.
શૈલેષભાઈ પોતે બી.ઇ.મિકેનિકલ ની ડીગ્રી ધરાવે છે, તેમ છતાં તેમણે નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી પસંદ કરી. તેમનો સંકલ્પ છે કે મારે ઝેર ખાવું નથી ને લોકોને ઝેર ખવરાવવું નથી. તેઓ કહે છે કે આપણે પ્રકૃતિને નહિ બચાવીએ તો પ્રકૃતિ આપણને નહિ બચાવે. સમાજને સ્વચ્છતા તરફ દોરી જવા આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.આપણે સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે.સારી ખેતી અને સારા પશુપાલન થકી પરિવારનું ગુજરાન કરી શકાય છે અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી શકાય છે એવો હું દાખલો બેસાડવા માગું છું.
આવનારા સમયમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું
સ્વપ્ન છે. જેમાં ખેતી સૌથી મોટું પરિબળ બની રહેશે. આખું વિશ્વ સારા પોષણયુક્ત અનાજની રાહ જોઈ રહ્યું છે. આપણે પ્રાકૃતિક ખેતી દ્વારા વિશ્વનું ભરણપોષણ કરી શકવા સક્ષમ છીએ. આખા વિશ્વની અનાજ કઠોળ ફળ અને દૂધની જરૂરિયાત આપણે પૂર્ણ કરી શકીએ એમ છીએ.
શૈલેષભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીની યાત્રા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તેમની મહેનત બતાવે છે કે જો નિશ્ચય મજબૂત હોય તો પ્રાકૃતિક ખેતી માત્ર સંભવ જ નથી, પણ સફળતાપૂર્વક આર્થિક સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેનો માર્ગ ખોલે છે. શૈલેષભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ભલું કરે છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાની જરૂર છે. જેથી આવા ઉત્પાદનોને વ્યાપક બજાર અને વેચાણ વ્યવસ્થા મળે તો ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે.

