વાપીના છીરીના ૪ વર્ષીય વેદને સંદર્ભ કાર્ડ યોજના હેઠળ વિનામુલ્યે કોક્લિયર ઈમ્પ્લાન્ટના ઓપેરશનથી મળી શ્રવણશક્તિ
જન્મથી જ સાંભળી ન શકતા બાળકનું ખાનગી હોસ્પિટલમાં રૂ.૧૦ થી ૧૨ લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામુલ્યે થયું
સંકલન – સલોની પટેલ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરીના અને મૂળ રાજકોટના દેવકી ગાલોલ ગામના રહેવાસી વિસાવેલીયા પરિવાર વાપીમાં રોજગારી માટે નિવાસ કરે છે. તેઓ સામાન્ય ધંધો કરી જીવન નિર્વાહ કરે છે. આ પરિવારના બાળક વેદ ભીખાલાલ વિસાવેલીયા જન્મ સમયથી જ સાંભળી અને બોલી શકતો ન હતો. આ સમયે કેન્દ્ર સરકારની સંદર્ભ કાર્ડ યોજના પરિવારની વહારે આવી હતી અને આ યોજના હેઠળ બાળકનું વિનામુલ્યે ઓપરેશન થયું હતું.
પરિવારને જન્મના થોડા સમય બાદ પરિવારને વેદની બીમારી વિશે જાણ થઈ હતી. તેથી સૌપ્રથમ આ બાળકને તપાસ માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને કોન્જિનેન્ટલ ડેફનેસ (અંશત: બેહરાશ) હોવાની જાણ થઈ હતી. બાળક આંગણવાડી જતું હોવાથી છીરી આરબીએસકેની ટીમના મોડિકલ ઓફિસર ડો. રિંકલ પટેલ અને ડો.ભીખુ ગોલાણીને તેની બીમારી વિશે જાણ થઈ હતી. તેમણે બાળકની તપાસ કરી પરિવારને કેન્દ્ર સરકારની સંદર્ભ કાર્ડ યોજનાની માહિતી આપી સંદર્ભ કાર્ડ બનાવી આપ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ બાળકને વલસાડ સિવિલ હિસ્પિટલ ખાતે રિફર કર્યો હતો. આ પરિવાર મૂળ રાજકોટનો હોવાથી બાળકને રાજકોટ સિવિલમાં શિફ્ટ કરી ત્યાં તેનું સફળતાપૂર્વક ઓપરેશન થયું હતું. તરત જ હિયરિંગ મશીન આપવામાં આવ્યું હતું અને વિનામુલ્યે સ્પીચ થેરેપીની શરૂઆત પણ કરાવી હતી. તેથી ઓપરેશન બાદ હવે બાળકનું સ્વાસ્થ્ય સારું છે તેમજ તે સામાન્ય લોકોની જેમ સાંભળી શકે છે તેમજ મમ્મી, પપ્પા અને દીદી જેવા શબ્દો પણ બોલે છે.
આરબીએસકેના મેડિકલ ઓફિસર ડો. રીંકલ પટેલે જણાવ્યું હતું કે, કોન્જિનેન્ટલ ડેફનેસ જન્મજાત હોઈ શકે છે. વેદને પણ આ તકલીફ જન્મ સમયથી જ હતી. સામાન્ય રીતે કોક્લિયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન આશરે રૂ.૧૦ થી ૧૨ લાખના ખર્ચે થાય છે. કાર્ડ જે સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે થયું છે. તેને વિનામુલ્યે હિયરિંગ મશીન આપવામાં આવ્યું છે તેમજ વિનામુલ્યે સ્પીચ થેરેપી પણ આપવામાં આવે છે.
વિનામુલ્યે ઓપરેશન દ્વારા બાળકની બહેરાશ દૂર કરવા માટે સરકારનો આભાર માનતા વેદના માતા વિલાસબેન વિસાવેલીયાએ જણાવ્યું હતું કે, દીકરાની બીમારી વિશે જાણ થતાં પહેલા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતાં ત્યાં ઓપરેશનમાં ઘણો ખર્ચો થશે એમ જણાવ્યું હતું. આર્થિક પરિસ્થિતિ પ્રમાણે રૂ. ૧૦ થી ૧૨ લાખનો ખર્ચો કરવો શક્ય ન હતો. ત્યારે સરકારની સંદર્ભ કાર્ડ યોજના હેઠળ મારા દીકરાનું વિનામુલ્યે ઓપરેશન કરાવી આપવામાં આવ્યું છે. તે આજે સારી રીતે સાંભળી અને બોલી શકે છે.
આરબીએસકેની ટીમ સમયાંતરે બાળકની હોમ વિઝિટ કરી બાળકના સ્વાસ્થ્યની કાળજી રાખે છે. તેની સ્પીચ થેરેપી અને અન્ય કસરતો વિશે પણ જાણકારી મેળવી જરૂરી સૂચનો આપે છે.


