સંસ્કૃત માધ્યમમાં ગણિત વિષયના લેખક તરીકે ભાવનગરના પ્રાથમિક શિક્ષક પ્રણવભાઈ રાજ્યગુરૂની પસંદગી
સમગ્ર રાજ્યમાંથી શ્રી પ્રણવભાઈ રાજ્યગુરૂની સંસ્કૃત માધ્યમના ગણિત લેખક તરીકે એકમાત્રની પસંદગી
ભાવનગરના પ્રાથમિક શિક્ષક શ્રી પ્રણવભાઈ રાજ્યગુરૂની સંસ્કૃત માધ્યમમાં ગણિત વિષયના લેખક તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ સંસ્કૃત માધ્યમમાં ગણિત વિષયના લેખક તરીકે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી એકમાત્ર સંસ્કૃત માધ્યમના ગણિત લેખક તરીકે એકમાત્રની તેમની પસંદગી કરવામાં આવી છે. આ તેમનું દસમું પાઠ્યપુસ્તક હશે.
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 8 માટે સંસ્કૃત શક્તિ ગુરુકુળોની રચના કરવામાં આવી છે. પહેલાં ધોરણ 9 થી સંસ્કૃત પાઠશાળાઓ તો હતી જ પણ ગયા વર્ષથી સંસ્કૃત શક્તિ ગુરુકુળોની શરૂઆત કરવામાં આવી છે.
આ સંસ્કૃત ગુરુકુળોની ખાસિયત એ છે કે, તેના દરેક પાઠયપુસ્તક સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત, પૌરૌહિત્ય જેવા વિષયો સાથે સંભાષણ, વ્યાકરણ અને કર્મકાંડ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
જેની સાથે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પણ સંસ્કૃત માધ્યમમાં બનાવીને આપણી પ્રાચીન સંસ્કૃતિ, ધરોહરને ઉજાગર કરવામાં આવી છે.
જેમ સામાન્ય ગુજરાતી માધ્યમમાં ભણતા બાળક માટે જે અભ્યાસક્રમ હોય તેમ, આવશ્યકતા પ્રમાણે સાંકળીને પ્રાચીન બાબતોને પણ સાંકળવામાં આવી છે.
હાલ ધોરણ 7 સંસ્કૃત માધ્યમ માટે જે સંસ્કૃત ભાષામાં જ ગણિત બને એ બાબતે શ્રી પ્રણવભાઈ રાજ્યગુરુએ જણાવ્યું કે, આ ગણિતમાં પ્રાચીન અર્વાચીનનો સંગમ દેખાઈ રહ્યો છે. તેમાં આધુનિક ગણિતની સાથે વૈદિક ગણિત, જ્યોતિષ ગણિત અને ખગોળ ગણિતનો સમાવેશ થાય છે. પાશ્ચાત્ય અને આધુનિક કાળ ગણના જાણે તેવા વિષયો પણ આવરી લેવાયા છે.
જ્યોતિષવિદ્યામાં પારંગત
શ્રી પ્રણવભાઈ રાજ્યગુરૂએ પેટલાદ ખાતે આવેલી રાજકીય સંસ્કૃત પાઠશાળામાં જ્યોતિષવિદ્યાનું સંપૂર્ણ અધ્યયન કર્યું છે. હાલમાં તેઓ "જ્યોતિષશાસ્ત્રમાં મુહૂર્તવિચારની આધુનિક જીવનમાં ઉપયોગીતા" વિષય પર ડૉ. પંકજ ભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં ભાવનગર યુનિવર્સિટીમાંથી Ph.D. કરી રહ્યા છે. પ્રણવભાઈ રાજ્યગુરુએ આ પહેલા સંસ્કૃત માધ્યમની ધોરણ 11-12 ની જ્યોતિષશાસ્ત્રની પાઠ્યપુસ્તકોમાં, લેખક, સમીક્ષક તરીકે કાર્ય કરી ચૂક્યા છે.
સંસ્કૃત સંભાષણમાં નિષ્ણાંત
શ્રી પ્રણવભાઈ રાજ્યગુરુ છેલ્લા 20 વર્ષોથી સંસ્કૃત ભારતીના કાર્યકર્તા રહ્યા છે. સંસ્થા દ્વારા ચાલતા સંસ્કૃત સંભાષણમાં લોકોને નિઃશુલ્ક સંસ્કૃત શીખવાડી રહ્યા છે. અંદાજિત 80 થી વધુ શિબિરો તેમણે ચલાવી છે. તેમનો પરિવાર પણ સંસ્કૃત પરિવાર છે. વર્ષો સુધી તેઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષાના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રહ્યા હતા. હાલમાં તેઓ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી છે. તેઓએ કહ્યું કે સંસ્કૃત બોલવું બહુ સહેલું છે. દસ દિવસમાં રોજ 2 કલાક આવીને સંસ્કૃત ભાષામાં બોલી શકાય છે. હાલ સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત બાલ કેન્દ્ર, ઘરે બેઠા સંસ્કૃત શીખવા માટે પત્રાચાર દ્વારા સંસ્કૃત, સંસ્કૃત ગૌરવ પરીક્ષા, સંસ્કૃત શ્લોકપઠન કેન્દ્ર, સંસ્કૃત ગીતા શિક્ષણ કેન્દ્ર, સંસ્કૃત ગ્રંથો દ્વારા સંસ્કૃત સરળતાથી બોલી શકાય છે.

