Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા પાટણના ખેડૂતશ્રી દિવાનજી ઠાકોર

પ્રાકૃતિક કૃષિ થકી ચાલુ વર્ષે રૂ.એક લાખનો ચોખ્ખો નફો મેળવ્યો

પાટણShare on WhatsApp
છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા પાટણના ખેડૂતશ્રી દિવાનજી ઠાકોર
Download image

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં આગામી વર્ષોમાં વધુ વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો હાથ ધરાયા છે.  

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત શ્રી ઠાકોર દિવાનજી ગાંડાજી છેલ્લા 10 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ અંગે ખેડૂતશ્રી દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે, હું વર્ષ 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં ૧ હેકટર જમીનમાં ઘઉં, રાયડો, બિટી કપાસ તેમજ અજમાનું વાવેતર કર્યું હતું. દોઢ વિઘા જમીનમાં રૂ.પાંચ હજારના ખર્ચ સામે 13 મણ અજમાનું ઉત્પાદન થયું હતું, જેમાં ૨૦ હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો હતો. જ્યારે ૨ વિઘા જમીનમાં રૂ.૧૦ હજારના ખર્ચે બિટી કપાસનું વાવેતર કર્યું હતું. જેમાં પણ મને ૨૦ હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો હતો. આમ વર્ષે રૂપિયા બે લાખ ઉત્પાદન થયું હતું, જેમાં રૂપિયા એક લાખનો ખર્ચ થયો હતો જેની સામે રૂપિયા એક લાખનો મે ચોખ્ખો નફો મેળવ્યો હતો

તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે. આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે.